BANASKANTHAPALANPUR

દાંતીવાડા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસ બેંકની ૬૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

12 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રેષ્ઠ વહીવટ અને ટેકનોલોજીના ઉપયોગથી બનાસ બેંકનું ટર્નઓવર રૂ.૭,૦૦૦ કરોડે પહોંચ્યું: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી NPAમાં નોંધપાત્ર ઘટાડો અને ટર્નઓવરમાં વધારા માટે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસ બેન્કના ચેરમેનશ્રી અને નિયામક મંડળને પાઠવ્યા અભિનંદન બનાસ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૨૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો; સભાસદો માટે ૯ ટકા ડિવિડન્ડની જાહેરાત કરતા ચેરમેન શ્રી ડાહ્યાભાઈ પીલીયાતર સિંચાઈ યોજનાઓ અને વૃક્ષારોપણ થકી ‘પાણીદાર અને લીલોછમ બનાસકાંઠા’ બનાવવા મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીનું બનાસવાસીઓને આહવાન
*બનાસ બેંક દ્વારા બાદરપુરામાં આધુનિક કમ્પ્યુટરાઇઝ્ડ ઓફિસ ટ્રેનિંગ સેન્ટર અને ખેડૂતો માટે મીની ગેસ્ટ હાઉસનું નિર્માણ કરાશે:- ચેરમેન શ્રી ડાહ્યાભાઈ પીલીયાતર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજરોજ દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે બનાસ બેંકની ૬૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયેલા વિધાનસભા અધ્યક્ષશ્રીએ બેંકના ચેરમેન શ્રી ડાહ્યાભાઈ પીલીયાતર અને તેમની સમગ્ર ટીમને સફળ સંચાલન બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને સ્વાગત પ્રવચન થકી કરાઈ હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસ બેંકે પોતાની બિન-કાર્યક્ષમ અસ્કયામતો (NPA)માં નોંધપાત્ર ઘટાડો કરીને બેંકનું ટર્નઓવર રૂ. ૭,૦૦૦ કરોડ સુધી પહોંચાડ્યું છે, જે સહકારી ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. તેમણે આ સિદ્ધિ બદલ બનાસ બેંકના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર અને નિયામક મંડળને અભિનંદન પાઠવ્યા હતા. સહકારી પ્રવૃત્તિને પરોપકાર અને લોકકલ્યાણ સાથે જોડાયેલો વ્યવસાય ગણાવીને આગેવાનોને સત્યનિષ્ઠા અને શિસ્ત જાળવવા અપીલ કરી હતી. પોતાના જાહેર જીવનના ૨૫થી ૩૦ વર્ષના અનુભવનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, સંસ્થાઓને મજબૂત બનાવવા માટે નારાજગીના ડર વગર ખોટી બાબતો સામે સ્પષ્ટપણે ‘ના’ કહેવાની હિંમત જરૂરી છે. વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂકતા તેમણે સૂચન કર્યું હતું કે ધિરાણ પ્રક્રિયા સંપૂર્ણપણે સિસ્ટમ આધારિત હોવી જોઈએ અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જિલ્લાના કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દૂધ સિવાયના અન્ય કૃષિ પાકોના વેલ્યુ એડિશન (મૂલ્યવર્ધન) માટે ભારત સરકાર દ્વારા બનાસ મલ્ટીસ્ટેટ કોઓપરેટિવને મંજૂરી આપવામાં આવી છે, જે આગામી પેઢીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘ગોબર ધન’ વિઝન અંતર્ગત બનાસકાંઠામાં સફળતાપૂર્વક કાર્યરત બાયો-સીએનજી પ્લાન્ટ મોડેલ અને એશિયાના અદ્યતન સંશોધન કેન્દ્ર એવા બીબીબીઆરસી (BBBRC)ની મુલાકાત લેવા સૌને અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ગોબર ગેસ પ્લાન્ટ માટે જાહેર કરાયેલી સબસિડી બદલ તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સહકાર મંત્રીનો આભાર વ્યક્ત કરી તેમણે યુવા પેઢીને આવા આધુનિક અને આત્મનિર્ભર વ્યવસાયો સાથે જોડાવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ વર્ષ ૧૯૫૯માં સ્થાપિત બેંકના પાયાના વડીલોની દીર્ઘદ્રષ્ટિને બિરદાવી, બેંકના વર્તમાન ચેરમેન અને નિયામક મંડળના નેતૃત્વમાં થઈ રહેલી ઉત્તરોત્તર પ્રગતિને વખાણી હતી. મંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પાંચ ‘પ’ (પાણી, પર્યાવરણ, પર્યટક, પોષણ અને પશુધન) ના મંત્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, બનાસકાંઠામાં આશરે રૂ. ૫,૦૦૦ કરોડના ખર્ચે ચાલી રહેલી વિવિધ ઉદવહન સિંચાઈ યોજનાઓથી જળક્રાંતિ સર્જાઈ રહી છે. ડાર્ક ઝોનની સ્થિતિમાંથી બહાર આવી જિલ્લાને ‘પાણીદાર બનાસકાંઠા’ બનાવવા માટે તેમણે ખેડૂતોને ખેત તલાવડી અને બોર-કૂવા રીચાર્જિંગની પદ્ધતિઓ અપનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવા તેમજ બનાસ ડેરી અને બેંકના માધ્યમથી જિલ્લામાં ૫ લાખ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસોથી બનાસ બેંક આજે આર્થિક રીતે અત્યંત મજબૂત બનીને ખેડૂતો અને પશુપાલકોની સાચી ભાગીદાર બની છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને કલ્યાણકારી નીતિઓનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ ઉપસ્થિત જનમેદનીને પર્યાવરણના સંતુલન માટે આગામી ચોમાસામાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કરવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવા તેમજ જમીન અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવી સમયની સાથે કદમ મિલાવવાનો મક્કમ અનુરોધ કર્યો હતો.સભાના પ્રારંભે બનાસ બેંકના ચેરમેન શ્રી ડાહ્યાભાઈ પીલીયાતરે તમામ સભાસદો, ખેડૂતો અને મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, બનાસ બેંક માત્ર એક નાણાકીય સંસ્થા નથી, પરંતુ ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતોના ઉત્થાન માટેની એક સશક્ત સહકારી ચળવળ છે. તેમણે જણાવ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બેંકે અભૂતોપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. બનાસ ડેરીના ૪.૫ લાખથી વધુ પશુપાલકો અને વિવિધ સહકારી સંસ્થાઓના અતૂટ વિશ્વાસને કારણે બેંકની કુલ ડિપોઝિટ વધીને રૂ. ૪,૩૬૦ કરોડ સુધી પહોંચી છે, જેમાં રૂ. ૨,૫૧૭ કરોડની લો-કોસ્ટ ડિપોઝિટનો સમાવેશ થાય છે. બેંકે ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને રૂ. ૨,૭૪૮ કરોડનું ધિરાણ પૂરું પાડ્યું છે, જ્યારે બેંકનું પોતાનું સ્વ-ભંડોળ રૂ. ૪૪૭ કરોડ થયું છે. નિયામક મંડળના સહયોગથી બેંકે ચાલુ વર્ષે રૂ. ૨૫ કરોડનો ચોખ્ખો નફો અર્જિત કર્યો છે, જે અંતર્ગત તમામ સભાસદ મંડળીઓ માટે ૯ ટકા ડિવિડન્ડ આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.ચેરમેનશ્રીએ જણાવ્યું કે, પશુપાલક બહેનોના આર્થિક ટેકા માટે શરૂ કરાયેલી યોજના હેઠળ ૨૫,૦૦૦ બહેનોને ૦ ટકા વ્યાજે રૂ.૧૦૦ કરોડનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને બેંકિંગ સુવિધાથી સાંકળી લેવામાં આવી છે, જેમાં ૧૪૦ શાખાઓ, સેવા મંડળીઓ અને ૭૫૦થી વધુ માઇક્રો એટીએમના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવામાં આવી રહ્યો છે. ગ્રાહકોની સુવિધા માટે વોટ્સએપ બેંકિંગ અને નેટ બેંકિંગ જેવી આધુનિક ડિજિટલ સેવાઓ પણ કાર્યરત કરવા સાથે બાદરપુરા ખાતે ખરીદવામાં આવેલી આશરે પાંચ વીઘા (૪.૩૬ લાખ ચોરસ ફૂટ) જમીન પર ટૂંક સમયમાં બેંકની અત્યાધુનિક કમ્પ્યુટરાઇઝ્ડ ઓફિસ, ટ્રેનિંગ સેન્ટર તેમજ મીની ગેસ્ટ હાઉસનું નિર્માણ કરવાનું આયોજન છે.આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહીત, વાવ-થરાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રત્નીબેન પરમાર, ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રીઓ, જિલ્લા અગ્રણી શ્રી કીર્તિસિંહ વાઘેલા, શ્રી નરેશજી ઠાકોર, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત સહકારી આગેવાનો, બનાસ બેંકનું નિયામક મંડળ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!