INTERNATIONAL

World Happiness Report 2025 મુજબ ટોપ-10માં ભારત-અમેરિકા જેવા દેશો નથી, ફરી ફિનલેન્ડ પ્રથમ ક્રમે

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ એટલે કે વિશ્વના સૌથી ખુશહાલ દેશોની યાદી. વિશ્વના 10 સૌથી ખુશહાલ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. દર 20 માર્ચે વર્લ્ડ હેપ્પીનેસ ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વિશ્વના સૌથી ખુશહાલ દેશોની યાદી પણ જાહેર કરાઇ છે. તમે જાણીને ચોંકી જશો કે સૌથી ખુશહાલ દેશોની યાદીમાં સતત આઠમાં વર્ષે ફિનલેન્ડ પ્રથમ સ્થાને રહ્યું છે.

વિશ્વના સૌથી ખુશહાલ ટોપ-10 દેશોની વાત કરીએ તો ફિનલેન્ડ બાદ ડેનમાર્ક, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડન પણ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વનો સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ આ યાદીમાં સ્થાન મેળવી શક્યો નથી. જ્યારે ભારતને પણ આ યાદીમાં સ્થાન મળ્યું નથી. ગેલપના મેનેજિંગ ડિરેક્ટર ઇલાના રોન-લેવે જણાવ્યું હતું કે નોર્ડિક દેશોનું આ યાદીમાં ટોચ પર હોવું આશ્ચર્યજનક નથી કેમ કે જે દેશો તેમના રહેવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં સફળ  રહ્યા છે ત્યાં સ્થિરતા જોવા મળી છે.

રિપોર્ટ અનુસાર લેવીએ કહ્યું કે ફિનલેન્ડ એક અસાધારણ અપવાદ છે અને મને લાગે છે કે, વિશ્વ ખરેખર ફિનલેન્ડની વિશિષ્ટતા શું છે તે સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમનું માનવું છે કે, આ પાછળના સૌથી મોટા કારણોમાં અન્ય લોકો પર વિશ્વાસ, ભવિષ્ય માટે આશાવાદ, સંસ્થાઓમાં વિશ્વાસ અને મિત્રો અને પરિવારનો ટેકો શામેલ છે. ફિનલેન્ડમાં, પોતાના જીવન વિશે સારું અનુભવવા અંગે સર્વસંમતિ વધુ છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2022-2024 દરમિયાન સરેરાશ સ્વ-મૂલ્યાંકન અને ગેલપ વર્લ્ડ પોલમાં કેન્ટ્રીલ લેડર પ્રશ્નના જવાબો અનુસાર દેશોને રેન્કિંગ અપાયું છે.

ખુશહાલ દેશોની યાદીમાં બીજા ક્રમે સ્થાન મેળવનારું ડેનમાર્ક એક દાયકા કરતાં વધુ સમયથી વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ટોચના 10 દેશમાં સામેલ છે. ફિનલેન્ડ અને યાદીમાં રહેલા અન્ય નોર્ડિક દેશોની જેમ ડેનમાર્કના લોકો પણ ખુશહાલ છે કારણ કે, આ દેશ સામાજિક સલામતી કવચ, સામાજિક જોડાણ પૂરા પાડે છે. ઉપરાંત, યુવાનો આ સ્થળોએ તેમના જીવન વિશે સારું અનુભવે છે. તમને જણાવી દઈએ કે, ડેનમાર્કના લોકો વિશ્વમાં સૌથી વધુ ટેક્સ ચૂકવે છે અને તેઓ તેમની આવકનો અડધો ભાગ ચૂકવવા તૈયાર રહે છે. પરંતુ આ વાત એ હકીકત દ્વારા પણ સંતુલિત છે કે, દેશમાં મોટાભાગની આરોગ્ય સેવાઓ મફત છે, બાળ સંભાળ સબસિડી આપવામાં આવે છે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોઈ ટ્યુશન ફી ચૂકવતા નથી અને અભ્યાસ દરમિયાન ખર્ચને પહોંચી વળવા માટે અનુદાન મેળવે છે. વૃદ્ધોને પેન્શન મળે છે અને તેમને સારસંભાળ માટે સહાયકો પણ પૂરા પાડવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!