EVM પ્રદર્શન અને ભવાઈ દ્વારા મતદારોને મતદાન જાગૃતિનો સંદેશ અપાયો

18 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વાવ-થરાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આસોદર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.EVM પ્રદર્શન અને ભવાઈ દ્વારા મતદારોને મતદાન જાગૃતિનો સંદેશ અપાયો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના આસોદર ગામ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર એક મહત્વપૂર્ણ અને વ્યાપક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જે.એસ.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં લોકશાહી પ્રક્રિયામાં વધુમાં વધુ નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગે જીવંત નિદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત નાગરિકોને મતદાન પ્રક્રિયા વિશે સરળ અને સ્પષ્ટ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતી સિંગલ ચોઇસ EVM મશીન તેમજ નગરપાલિકા ચૂંટણી માટેની મલ્ટી ચોઇસ સાથે NOTA સુવિધાવાળી EVM મશીનનો પ્રાયોગિક ઉપયોગ સમજાવવામાં આવ્યો હતો. આ પ્રદર્શનથી મતદારોમાં મતદાન પ્રત્યેનો ભય દૂર થઈ અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે મતદાન પ્રક્રિયામાં જોડાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.આ સાથે Special Voters Awareness Program અંતર્ગત વિવિધ સર્જનાત્મક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદારોમાં જાગૃતિ વધે, તેઓ પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરે અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ ભજવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.કાર્યક્રમને વધુ અસરકારક અને રસપ્રદ બનાવવા માટે લોકકલાનું પ્રતિનિધિત્વ કરતી ભવાઈ પ્રસ્તુતિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભવાઈ દ્વારા મનોરંજન સાથે મતદાનના મહત્વ અંગે પ્રભાવશાળી સંદેશ આપવામાં આવ્યો, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોમાં સહેલાઈથી જાગૃતિ ફેલાઈ. આ લોક કલાત્મક રજૂઆતને ઉપસ્થિત લોકો દ્વારા ઉત્સાહપૂર્વક આવકારવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 









