BHARUCHBHARUCH CITY / TALUKO

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત નવનિયુક્ત પંચાયત સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

ભરૂચ – બુધવાર – ભરૂચ જિલ્લા પંચાયત, ભરૂચ દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત ભરૂચ જિલ્લાના અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કક્ષાના ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન AIA, GIDC હોલ, અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષપદે માન. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતિ ડિમ્પલબેન રાજ ભરૂચના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માન. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પણ પંચાયતી રાજ સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે, ગ્રામીણ વિકાસને વેગ આપવા અને લોકો સુધી પારદર્શક તથા અસરકારક વહીવટ પહોંચાડવા માટે અનેક લોકકલ્યાણકારી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. લોકશાહીના પાયાના સ્તંભ તરીકે ચૂંટાઈને આવ્યા છો. તો લોકોનો વિશ્વાસ અને તેમની અપેક્ષાઓ તથા તેમના વિકાસના કામોને ખભા પર રાખીને માત્ર ચૂંટાઈ આવવું પૂરતું નથી પરંતુ એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે કાયદા, નિયમો અને યોજનાઓની વહીવટી પ્રક્રિયાઓની યોગ્ય સમજ હોવી એટલી જ જરૂરી છે.

સર્વેને જણાવીશ કે, અહીંથી પ્રાપ્ત થતા જ્ઞાનનો ઉપયોગ આપના ગામ, તાલુકા અને જિલ્લાના વિકાસ માટે થાય એ જરૂરી છે. આ તાલીલથી આ ક્ષેત્રે આપનું જ્ઞાન જેટલું પણ વધશે, એટલું લોકો સુધી પહોંચશે અને “સમૃદ્ધ ગામ, સમૃદ્ધ ગુજરાત અને વિકસિત ભારત” નું સ્વપ્ન પણ સાકાર થશે.

પંચાયતી રાજ વ્યવસ્થા ગ્રામીણ વિકાસનો મૂળ આધાર છે. ચૂંટાયેલ પ્રતિનિધિઓને તાલીમ આપીને તેમની ક્ષમતા વધારવી એ સરકારની અગ્રતા છે. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ આપવામાં આવતી આ તાલીમ ગ્રામ પંચાયતોને વધુ મજબૂત, પારદર્શક અને જવાબદાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

અંતમાં તેમણે સૌને અપીલ કરતા રહ્યું કે, આપણી જવાબદારી અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને, ગામના છેવાડાના નાગરિકો સુધી યોજનાઓનો પૂરતો લાભ પહોંચે અને તેમને યોગ્ય ન્યાય મળી રહે તે માટે આપ સૌ નમ્રતાપૂર્વક પ્રયત્ન કરવા ભાર પૂર્વક જણાવ્યું હતું.
અંતે તેમણે ઉમેર્યું કે, ભરૂચ જિલ્લાના વિકાસ માટે તમામ પ્રતિનિધિઓએ એકસાથે કામ કરવું પડશે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં હકારાત્મક અને સક્રિય ભાગ લેવો પડશે.

તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવનિયુક્ત પંચાયત પદાધિકારીશ્રીઓ અને સભ્યશ્રીઓને પંચાયતી રાજ વ્યવસ્થાની કાર્યપદ્ધતિ, જવાબદારીઓ તથા સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન અને જ્ઞાન પૂરું પાડવાનો હતો.
આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો તથા તેના અંતર્ગત કરવાની કામગીરી, ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP), ૧૫મા નાણાપંચ અંતર્ગત આયોજન અને અમલીકરણ તથા ઈ-સ્વરાજ પોર્ટલનું અમલીકરણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર તાલીમ આપવામાં આવી હતી.

આ તકે, ભરૂચના ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી એ પણ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ તાલીમમાં રાજ્ય કક્ષાએ પધારેલા ટ્રેનરશ્રી હિંમતભાઈ પરમાર રચિત પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ પ્રતિનિધિઓ, અધિકારીઓ તેમજ પંચાયતી રાજ સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અજીતભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ પ્રતિનિધિઓ, પંચાયતી રાજ સંસ્થાઓના કાર્યકરો, જિલ્લા આંકડા અધિકારી શ્રી મેહુલ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી,જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!