અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ યોજિત અભિયાન અન્વયે ભારતભરની પાંચ લાખ થી વધુ શાળાઓમાં હમારા વિધ્યાલય હમારા સ્વાભિમાન નો સંકલ્પ લેવાશે.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૩૧ ઓગસ્ટ : સમગ્ર ગુજરાતની ૫૦હજારથી વધુ શાળાઓ, બે લાખથી વધુ શિક્ષકો તથા ૭૦ લાખ વિદ્યાર્થીઓ ૧ લી સપ્ટેમ્બર ના રોજ ‘આપણું વિદ્યાલય આપણું સ્વાભિમાન’ અભિયાન અન્વયે સંકલ્પબધ્ધ બનશે.
ભારતીય સંસ્કૃતિમાં સંકલ્પ એ કાર્યની શરૂઆત ગણાય છે.શાળાને સંસ્કારોનું તીર્થસ્થાન બનાવવા, ભાવિ નાગરિકોનું ઘડતર કરવા. મિત્રતા, શિસ્ત, સહયોગ, મહેનત અને સમરસતાની મૂલ્યોની કેળવણી આપવા શિક્ષક, સમાજ તથા વિદ્યાર્થીનું જોડાણ થાય તે આ સંકલ્પનો મુખ્ય ઉદ્દેશ છે.
પાંચ સંકલ્પ :- ૧. સ્વચ્છ, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયક શાળા
૨. શાળાની મિલકત આપણી રાષ્ટ્રીય સંપત્તિ
૩. શિક્ષણ, ચારિત્ર્ય નિર્માણ તથા સમાજ સેવા
૪. સમરસતા અને ભાઈચારો
૫. શાળાને તીર્થસ્થાન માનવું
દરેક શાળા આ પાંચ સંકલ્પોને જીવનમાં ઉતારે તો ભારત ફરી એકવાર વિશ્વગુરુ બની શકે. સમગ્ર ગુજરાતના વિશાળ ઉપક્રમ અન્વયે ગુજરાતની ૫૦,૦૦૦થી વધુ શાળાઓમાં આજે આ સંકલ્પ લેવાશે. ૩૩ જિલ્લાઓ, ૮ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓની સરકારી, ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, આશ્રમશાળાઓ અને મોડલ સ્કૂલ્સમાં એકસાથે કાર્યક્રમો યોજાશે. સંગઠનને મહામહિમ રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, આરોગ્ય મંત્રીશ્રી, બંને શિક્ષણ મંત્રીશ્રી, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખો, શિક્ષણ સમિતિના ચેરમેન સહિત ૧૫૦ થી વધુ આગેવાનોના શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયા છે.રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર ગોધરા ખાતે, શ્રી જગદીશભાઈ પંચાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી, પક્ષના બધા અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રેરણા આપશે.ગુજરાતની ૩૩,૦૦૦ સરકારી પ્રાથમિક શાળાઓ, ૬૦૦૦ ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ૧૧૦૦૦ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, ૮૦૦ આશ્રમશાળાઓ તથા આદિજાતિ શાળાઓના ૨,૩૨,૦૦૦ શિક્ષકો તથા ૭૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને સંકલ્પિત કરવા સંગઠને આહવાન કરેલ છે.આ સંકલ્પ તથા બિન્દુઓ પર કામ થવાથી શાળાને માત્ર શિક્ષણનું સ્થાન નહીં પરંતુ જીવંત તીર્થસ્થાન બનાવવા પ્રથમ તબક્કામાં ગુજરાત રાજ્યની ૧૦૦૦ શાળાઓના શિક્ષકો તથા આચાર્યોને જોડી શાળાઓને આપણું વિદ્યાલય આપણું તીર્થ બનાવવાની શરૂઆત થશે.



