ઝઘડિયામાં AAP ના MLA ચૈતર વસાવા અને મૃતકના ભાઈ વચ્ચે લાફા વાળી


સમીર પટેલ, ભરૂચ
ચૈતર વસાવા સમર્થકો સાથે કંપની પર પોહચતા મૃતકના ભાઈ રાજન વસાવા અને પરિવારે આપ ધારાસભ્ય પર કર્યા ગંભીર આક્ષેપ, ચૈતર વસાવા માત્ર પૈસા પડાવવા કંપની પર આવ્યા, મૃતકના ભાઇનો આરોપ
ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના ભાઈ વચ્ચે લાફા મારી અને ઝપાઝપી, મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગ અને ધડાકામાં દાઝેલા 15 પૈકી 2 કામદારના મોતનો મામલો
ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલીટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટનામાં 2 કામદારોના મોત નિપજવાના મામલામાં ધારાસભ્ય ચૈતર વસાવા કંપની પર પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી
ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલીટન એક્ઝિકેમ કંપનીમાં આગની ગંભીર ઘટના સર્જાતા કામદારોમાં હાહાકાર મચી ગયો હતો. આ અકસ્માતમાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી 2 કામદારોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. બાકીના ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે તણાવનો માહોલ સર્જાયો છે. આ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારજનો સાથે વાતચીત કરવા પોતાના સમર્થકો સાથે સ્થળ પર પહોંચ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ. સ્થળ પર ભારે હોબાળો સર્જાતા પોલીસને દખલ કરવી પડી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. આ દરમિયાન મૃતકના પરિવારજનોમાં પણ મતભેદ જોવા મળ્યા હતા અને તેઓ બે જૂથોમાં વહેંચાઈ ગયા હતા. ઘટનામાં મૃત્યુ પામેલા રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ચૈતર વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે, જેનાથી રાજકીય રંગ પણ ચડ્યો છે.
બીજી તરફ, કંપની મેનેજમેન્ટ દ્વારા પીડિતોને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ચૈતર વસાવાએ આ મામલામાં મૃતકોના પરિવારને રૂ.1-1 કરોડની સહાય આપવામાં આવે એવી માંગ કરી હતી.
જોકે મૃતકના ભાઈએ કંપની જોડે સુખદ સમાધાન થયું હોય. અને ચૈતર વસાવા માત્ર પૈસા પડાવવા અને વાતાવરણ ડોહળવા આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈ મૃતકના ભાઈ વચ્ચે ઝપાઝપી અને લાફાવાળી થઈ હતી.




