
ચાંદીપુરા વાયરસ સામે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં..
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં છે. જિલ્લામાં વાયરસના સંક્રમણને અટકાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ સઘન સર્વેલન્સ અને આગોતરા આયોજનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિને ધ્યાને રાખીને DHS પ્રોગ્રામ કમિટી, CHC અને PIU સમીક્ષા બેઠક તેમજ ચાંદીપુરા પીડિયાટ્રિક (બાળરોગ) સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો હોવાથી, બાળકોની વિશેષ સારવાર અને વ્યવસ્થાપન માટે ખાસ પીડિયાટ્રિક બેઠકનું આયોજન કરીને તકેદારીના પગલાંની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી.
(બોક્ષ )
*જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવહાણેની મેડિકલ કોલેજની રૂબરૂ મુલાકાત*
આરોગ્ય વિભાગની સજ્જતા ચકાસવા માટે કલેક્ટર ડૉ.નવનાથ ગવહાણે દ્વારા KMCRI મેડિકલ કોલેજની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મહત્વપૂર્ણ સુવિધાઓ અને સજ્જતાની સમીક્ષા કરી હતી.
સ્પેશિયલ વોર્ડની તૈયારીઓ, સંભાવિત દર્દીઓની તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજમાં ખાસ આઇસોલેશન વોર્ડ, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં કાર્યરત વેન્ટિલેટરની સ્થિતિ વગેરે ચકાસવામાં આવી હતી. આ તકે કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેએ રક્તદાન કરીને અન્ય નાગરિકોને પણ આ ઉમદા કાર્યમાં સહભાગી થવા પ્રેરણા પૂરી પાડી હતી.
વધુમાં, જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લા કલેક્ટરશ્રીને હોસ્પિટલમાં ઉભી કરાયેલી વ્યવસ્થાઓ અને વાયરસના લક્ષણો ધરાવતા બાળકોની વિશેષ સારવાર માટે પીડિયાટ્રિક સ્ટાફ (બાળ રોગ નિષ્ણાતો અને નર્સિંગ ટીમ) ને ખાસ તાલીમ આપીને સજ્જ કરાયા તેની વિગતો આપી હતી
(બોક્ષ )
ભરૂચ જિલ્લામાં ઘરે-ઘરે સઘન સર્વેલન્સ અને જંતુનાશક દવાઓનો છંટકાવ…
જિલ્લા આરોગ્ય વિભાગની ૩૭૪ જેટલી ટીમો દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને અનુલક્ષીને સઘન સર્વેલન્સની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસોનું વહેલું નિદાન થાય તે માટે આરોગ્ય કાર્યકરો દ્વારા ઘરે-ઘરે જઈને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ વાયરસ ફેલાવતી સેન્ડફ્લાય (રેતીની માખી) ના ઉપદ્રવને રોકવા માટે જરૂરી જંતુનાશક દવાઓનો છંટકાવ અને માલથિયન પાવડર ડસ્ટિંગની કામગીરી પણ વેગવંતી બનાવવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે ૧૪ વર્ષથી નાના બાળકોને અસર કરે છે. જેમાં અચાનક સખત તાવ આવવો, ઉલ્ટી થવી, માથાનો દુખાવો કે બેભાન અવસ્થા જેવા લક્ષણો જોવા મળે છે. જો બાળકમાં આવા કોઈ પણ લક્ષણો જણાય, તો સહેજ પણ વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. વહીવટી તંત્ર દ્વારા તમામ સ્તરે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી જનતાએ ગભરાવાને બદલે માત્ર સજાગ અને જાગૃત રહેવું. તંત્ર દ્વારા તમામ સ્તરે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી જનતાને ગભરાવાને બદલે જાગૃત રહેવા અનુરોધ છે.




