ભરૂચ LCBએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર દારૂ પકડ્યો:₹8.37 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી વોન્ટેડ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹8.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે, સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન GJ 23 CE 5878 નંબરની મારૂતિ સ્વીફ્ટ કારને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 62 બોક્સ મળી આવ્યા હતા. આ દારૂની કિંમત ₹3,27,360 આંકવામાં આવી છે.
પોલીસે કારમાં સવાર આરોપી ધર્મેન્દ્ર રમેશભાઈ ચૌહાણ (રહે. રાસનોર રામપરા, આણંદ) ને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી તેના સાથી મોન્ટુ પરમાર (રહે. સામરખા, આણંદ) સાથે મળી કીમ નજીકથી દારૂ ભરાવી આણંદ લઈ જઈ રહ્યા હતા.
પોલીસે દારૂ ઉપરાંત ₹5 લાખની કિંમતની સ્વીફ્ટ કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹8,37,360નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સહઆરોપી મોન્ટુ પરમારને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.




