રથયાત્રા પૂર્વે ભરૂચ પોલીસ હાઈ એલર્ટ: SOG, LCB, બોમ્બ અને ડોગ સ્ક્વોડનું શહેરભરમાં સઘન ચેકિંગ




સમીર પટેલ, ભરૂચ
આગામી 16 જુલાઈએ ઉજવાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોવાથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.
તેના ભાગરૂપે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.આજે એસઓજીના પીઆઈ એ.વી.પાણમિયા અને એલસીબીના પીએસઆઈ એ.વી. શિયાળીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોની ટીમોએ સિટી સેન્ટર બસ સ્ટેશન,રેલવે સ્ટેશન,મોલ તેમજ વાહન પાર્કિંગ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, સામાન તેમજ વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
પોલીસની આકસ્મિક ચેકિંગ કામગીરીને કારણે લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું, જ્યારે કેટલાક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ પણ સર્જાયો હતો. જોકે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકો સુરક્ષિત રીતે તહેવારની ઉજવણી કરી શકે તે માટે આ પ્રકારની ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે.



