BHARUCHBHARUCH CITY / TALUKO

દહેજમાં ₹3.16 કરોડની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસની ઝડપી કાર્યવાહી: 6 આરોપી ઝડપાયા, ₹3.21 કરોડનો મુદ્દામાલ કબ્જે..

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ ઉદ્યોગ વિસ્તારમાં મોટી ચોરીની ઘટનાનો પોલીસ દ્વારા સફળ ભેદ ઉકેલવામાં આવ્યો છે. દહેજ સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાં થયેલી રૂપિયા 3.16 કરોડની ચોરી મામલે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરી ગયેલ કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

ભરૂચ જિલ્લાના દહેજ ડિવિઝન પોલીસ મથકમાં એસસી એસટી સેલના ડીવાયએસપી ડો.અનિલ સીસારાએ ચાર્જ લેતા જ મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.જેમાં દહેજ પીઆઈ એચ.બી. ઝાલા અને તેમની ટીમે મોટી સફળતા પ્રાપ્ત કરી છે.જેમાં દહેજની ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડમાં નવા પ્લાન્ટના બાંધકામ દરમિયાન ચાલુ પ્લાન્ટનો કિંમતી મશીનરી અને પાર્ટ્સ અટાલી ગામની સીમમાં આવેલી વી-લોજિસ્ટિક્સના વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તસ્કરોને આ અંગે માહિતી મળતા 15 અને 16 એપ્રિલની રાત્રિ દરમિયાન વેરહાઉસને નિશાન બનાવવામાં આવ્યું હતું.

તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે રૂપિયા 3.16 કરોડના કિંમતી પાર્ટ્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસ દ્વારા હિસ્ટ્રીશીટરોની હલચલ પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન પંજાબ રાજ્યની એક શંકાસ્પદ ટોળકી દહેજ વિસ્તારમાં ફરતી હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. પરિણામે, પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા મોટાભાગનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરી અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ટીમ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર જાળવણીના આધારે આ મોટી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની ઝડપી કામગીરીને કારણે કરોડો રૂપિયાના માલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે, તેમજ આ ટોળકી અન્ય કોઈ ગુનાઓમાં સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!