ભરૂચ રેલવે સ્ટેશન ખાતે અદ્યતન ડિજિટલ લોન્જ અને કન્વેન્શન સેન્ટરનો ભવ્ય શુભારંભ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરને રેલવે સુવિધાઓના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ ભેટ મળી છે. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધા અને આધુનિક સેવાઓને ધ્યાનમાં રાખીને નિર્માણ કરાયેલા અદ્યતન ડિજિટલ લોન્જ અને કન્વેન્શન સેન્ટરનો ભવ્ય શુભારંભ ભરૂચ-નર્મદા લોકસભા બેઠકના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં ફિતા કાપી અને તકતીનું અનાવરણ કરીને નવા પ્રકલ્પને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન બાદ મહાનુભાવોએ ડિજિટલ લોન્જ અને કન્વેન્શન સેન્ટરની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
નવનિર્મિત ડિજિટલ લોન્જમાં મુસાફરોને આરામદાયક બેઠક વ્યવસ્થા, આધુનિક ડિજિટલ માહિતી પ્રણાલી, ઇન્ટરનેટ સુવિધા તેમજ અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે કન્વેન્શન સેન્ટર વિવિધ બેઠકો, સેમિનાર, તાલીમ કાર્યક્રમો અને જાહેર ઉપયોગના કાર્યક્રમો માટે ઉપયોગી બનશે. આ પ્રકલ્પના કારણે ભરૂચ રેલવે સ્ટેશનની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે અને મુસાફરોને વધુ સારો અનુભવ મળશે.
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ભારતીય રેલવે દ્વારા દેશભરના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભરૂચ રેલવે સ્ટેશન પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે વડોદરા રેલવે ડિવિઝન (BRC) ના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) રાજુ ભુક્યા, સિનિયર ડી.આર.એમ. નરેન્દ્ર કુમાર, રેલવે સલાહકાર બોર્ડના સભ્ય જિતેન્દ્ર રાજપૂત, રેલવે વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહાનુભાવોએ ભરૂચ રેલવે સ્ટેશનના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા વિવિધ પ્રકલ્પોની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ મુસાફરોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી…


