BHARUCHJHAGADIYA

ઝઘડિયાના વણાકપોરમાં દીપડાનો આતંક: ઘર આંગણે બાંધેલી ગીર વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ

ઝઘડિયાના વણાકપોરમાં દીપડાનો આતંક: ઘર આંગણે બાંધેલી ગીર વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ  

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓ,ખાસ કરીને દીપડાઓની સક્રિયતા અને વસવાટમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ખોરાક અને શિકારની શોધમાં હવે આ હિંસક દીપડાઓ જંગલ વિસ્તાર છોડીને સીધા માનવ વસાહતો તરફ ધસી આવી રહ્યા છે. ઝગડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો રાજપારડી, વણાંકપોર, ભાલોદ, તરસાલી, ઇન્દોર, પાણેથા તેમજ જાહેર માર્ગો પર અવારનવાર દીપડાઓની લટાર જોવા મળતી હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે.

 

આ દરમિયાન ગત મોડી રાત્રે ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામના પટેલ ફળિયામાં દીપડાના હુમલાની એક ગંભીર ઘટના સામે આવી છે. ગામના પશુપાલક મુકેશભાઈ મણીલાલ પટેલે પોતાની કિંમતી ગીર વાછરડીને ઘરના આંગણામાં બાંધી રાખી હતી. મોડી રાત્રિના અંધકારનો લાભ લઈ શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલા ખૂંખાર દીપડાએ ઘર આંગણે જ ત્રાટકીને બાંધેલી હાલતમાં રહેલી વાછરડી પર હુમલો કરી દીધો હતો અને સ્થળ પર જ તેને ફાડી ખાઈ મારણ કર્યું હતું.

 

સવારે જ્યારે પશુપાલક આંગણામાં પહોંચ્યા ત્યારે લોહીલુહાણ હાલતમાં વાછરડીનો મૃતદેહ જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બનાવની જાણ વાયુવેગે સમગ્ર ગામમાં ફેલાઈ જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. માનવ વસ્તીની વચ્ચે આવીને દીપડાએ કરેલા આ શિકારથી લોકો પોતાના અને પોતાના પશુઓના જીવને લઈને ભારે ચિંતિત બન્યા છે.

 

ઘટના સંદર્ભે પશુપાલક દ્વારા તાત્કાલિક સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ પર પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ દીપડાના પગના નિશાનના આધારે તેને પાંજરે પૂરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

 

ઝઘડિયા પંથકમાં દીપડાઓ હવે માત્ર સીમ વિસ્તાર પૂરતા સીમિત ન રહેતાં રહેણાંક વિસ્તારોમાં પણ બેખોફ ફરી રહ્યા હોવાથી વન વિભાગ સામે દીપડાઓને પકડવાનો મોટો પડકાર ઊભો થયો છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને ઝડપી લેવાની અને ભોગ બનનાર પશુપાલકને યોગ્ય વળતર ચૂકવવાની ઉગ્ર માંગણી કરી છે.

Back to top button
error: Content is protected !!