BHARUCHBHARUCH CITY / TALUKO

VB-G RAM G યોજનાથી મનરેગા ભ્રષ્ટાચારનો અંત, એક સપ્તાહમાં કામદારોને વેતન, કોંગ્રેસનો રામજી નામને લઈ ખોટો દુષ્પ્રચાર : ભરૂચ જિલ્લા ભાજપ

સમીર પટેલ, ભરૂચ

 

– ભરૂચ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદમાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન પર ગ્રામીણ રોજગારની ચર્ચા

– નરેન્દ્ર મોદીની વિકસિત ગ્રામોત્થાન યોજના ગુજરાત અને દેશના ગામોની તસ્વીર બદલશે : રમેશ મિસ્ત્રી

– વિકસિત ભારત જી રામ જી યોજનામાં મનરેગા કરતા બજેટ 60 હજાર કરોડ વધારાયું : પ્રકાશ મોદી

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત જી રામ જી યોજનાની માહિતી જનજન સુધી પોહચડવા બુધવારે પત્રકાર પરિષદ ડિસ્ટ્રીકટ બેંક ખાતે યોજાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત જી રામ જી યોજના જાહેર કર્યા પછી જી રામજી નામને લઈ કોંગ્રેસે દુષ્પ્રચાર શરૂ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બુધવારે વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના અંગે પત્રકાર પરિષદ આયોજિત કરાઈ હતી.

પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, જાંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને મહામંત્રી ફતેસિંહ ગોહિલએ ઉપસ્થિત રહી VB-G RAM G યોજના અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.

વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) VB-G RAM G સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટીએ આ એક ક્રાંતિકારી અધિનિયમ ગણાવ્યો હતો. જે વિકસીત ભારતના નિર્માણમાં આવનાર સમયમાં વિકસીત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો આ ઐતિહાસિક અધિનિયમ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમ ફેલાવવાનો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસની સરકારમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને મનમોહનજીની સરકારમાં ગ્રામીણ રોજગારીની યોજનાના નામો જવાહર રોજગાર યોજના, નરેગા, મનરેગા કરાયા હતા.

મનરેગા યોજનામાં અનેક ક્ષતિઓ અને વ્યાપક ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસ તેને રોકવામાં નિષ્ફળ રહી હતી ત્યારે, વિકસિત ગ્રામિણ ભારતને મજબૂત કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન VB-G RAM G યોજના થકી ઐતિહાસિક સાબિત થશે તેમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. અત્યાર સુધી મનરેગા હેઠળ 100 દિવસનું કામ મળતું હતું પરંતુ આ નવા અધિનિયમથી 125 દિવસના કામની ગેરંટી મળશે. રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના 60 દિવસ ફાળવી શકશે આમ કુલ 185 દિવસની રોજગારી મળી શકશે.

કોંગ્રેસ વખતે મનરેગાનું બજેટ ₹35 હજાર કરોડ હતું જે હવે VB-G RAM G માં કેન્દ્રના ફાળાને વધારીને રૂ.95 હજાર કરોડ કરવામાં આવ્યું છે. એટલે મનરેગા કરતા આ યોજનામાં 60 હજાર કરોડ બજેટમાં વધુ ફાળવાયા હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું. VB-G RAM G હેઠળ 60 ટકા ફંડ કેન્દ્ર તેમજ 40 ટકા ફંડ રાજ્ય આપશે.

મનરેગામાં 15 દિવસમાં એક વખત ચૂકવણી કરવામાં આવતી હતી જયારે VB-G RAM-Gમાં સાપ્તાહિક વેતન ચૂકવણીની વ્યવસ્થા કરાઈ છે. આ અધિનિયમ હેઠળ ઓછામાં ઓછા 50 ટકા કામો સીધા ગ્રામસભા અને ગ્રામપંચાયતો દ્વારા કરાશે. જેથી ગામની જરૂરીયાત મુજબ વિકાસ થશે. યોજના હેઠળ પારદર્શિતા વધારવા દરેક કામોનું સોશિયલ ઓડિટ ફરજિયાત કરાયું છે. દરેક કામ પર અસરકાર રીતે દેખરેખ રાખવા રિયલ-ટાઈમ ડેટા અપલોડ, GPS અને મોબાઇલ આધારિત મોનિટરિંગ, બાયોમેટ્રિક હાજરી સહિતના પ્રકલ્પોનો ઉપયોગ થશે. અંતમાં ભરૂચ જિલ્લા ભાજપે અગાઉની મનરેગા યોજના કરતા વ્યાપકતા, પારદર્શિતા અને દેશના ગ્રામીણ વિકાસમાં સહભાગિતા વધારવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર VB-G RAM G લઈને આવી હોવાનું અને આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!