
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકા કક્ષાના ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નવરંગ વિદ્યામંદિર હાઈસ્કૂલ, મોરીયાણા ખાતે હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે નેત્રંગના મામલતદાર કલ્પેશ બી. ગળિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત સાથે દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી હતી.
સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમોએ ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓ તેમજ પ્રતિભાશાળી કર્મચારીઓનું સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણની જાળવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં સંપન્ન થયો હતો.
આ તબક્કે તાલુકા વિકાસ અધિકારી શ્રી હરીશ પટેલ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, શિક્ષકમિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



