BHARUCHBHARUCH CITY / TALUKO

હાંસોટ : હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભાવસભર ‘માતૃ-પિતૃ વંદના’ કાર્યક્રમ યોજાયો: બાળકોએ માતા-પિતાની આરતી ઉતારી પૂજન કર્યું

સમીર પટેલ, ભરૂચ

ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને માતા-પિતાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. અજ્ઞાનનો અંધકાર દૂર કરનાર ગુરુ અને જીવન આપનાર માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પાવન પર્વ ‘ગુરુપૂર્ણિમા’ નિમિત્તે સાહોલ પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય અને ભાવસભર ‘માતૃ-પિતૃ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત અત્યંત પવિત્ર વાતાવરણમાં થઈ હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓએ એકસુરે “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ” શ્લોકનું ગાન કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને મંત્રમુગ્ધ બનાવી દીધું હતું. સંસ્કૃતિના આ શ્લોક ગાન સાથે ગુરુ અને વડીલો પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાના બાળકોએ પોતાના માતા-પિતા પ્રત્યે આદર અને પ્રેમ પ્રગટ કરવા માટે ‘માતૃ-પિતૃ પૂજન’ કર્યું હતું. વિદ્યાર્થીઓએ ઉપસ્થિત વાલીઓને કુમકુમ તિલક કરી, અક્ષત લગાવીને ભાવપૂર્વક તેમની આરતી ઉતારી હતી. બાળકોએ માતા-પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા ત્યારે અનેક વાલીઓની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને અત્યંત લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
આ અવસરે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, “માતા-પિતા એ બાળકના પ્રથમ ગુરુ છે. આજના આધુનિક યુગમાં બાળકો પુસ્તકીય જ્ઞાન સાથે સંસ્કારવાન બને અને વડીલોનો આદર કરતા શીખે તે હેતુથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.” સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળાના સમગ્ર શિક્ષક પરિવાર અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વાલીઓએ શાળા પરિવારના આ નૂતન અભિગમને બિરદાવી હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!