BHARUCHNETRANG

વાલીયા તાલુકામાં ‘નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે’ અંતર્ગત પલ્સ પોલિયો અભિયાનને મળી ભવ્ય સફળતા…

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

વાલીયા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.કિસન વસાવાના સક્ષમ માર્ગદર્શન અને કુશળ સંકલન હેઠળ સમગ્ર તાલુકામાં સઘન પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત બૂથ કામગીરી અત્યંત સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

ભવિષ્યની પેઢીને પોલિયો જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવાના ઉમદા હેતુસર આરોગ્ય વિભાગની ટીમે તાલુકાના ગામડે-ગામડે પહોંચી ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયાના બે ટીપા પીવડાવવાની પ્રશંસનીય કામગીરી કરી હતી. સવારથી જ વિવિધ ગામો, આયુષ્માન આરોગ્ય મંદિરો અને આંગણવાડી કેન્દ્રો ખાતે વાલીઓ પોતાના બાળકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આ અભિયાનમાં આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો અને સ્થાનિક આગેવાનોનો ઉત્સાહભેર સહયોગ જોવા મળ્યો હતો. ખાસ કરીને ગામડાઓ સુધી આરોગ્ય સેવા પહોંચાડવામાં વાલીયા તાલુકા આરોગ્ય ટીમે સરાહનીય પરિશ્રમ દાખવ્યો હતો.

તાલુકાના વિવિધ કેન્દ્રો પર અસરકારક કામગીરી

વાલીયા તાલુકા આરોગ્ય ટીમ દ્વારા AAM સાબરીયા, AAM દેસાડ, AAM દોલતપુર, AAM દહેલી, આંગણવાડી-૧ દહેલી, સિંગલા, AAM રુંઢા, AAM ધોળગામ, મીરાપુર આંગણવાડી-૧, AAM શીર, સીંગલવાન આંગણવાડી કેન્દ્ર, PHC દહેલી અને AAM જબુગામ સહિતના કેન્દ્રો પર પોલિયો રસીકરણ કામગીરી સુવ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવી હતી.

મીરાપુર આંગણવાડી કેન્દ્ર ખાતે સરપંચે ખાસ હાજરી આપી ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા, જેના કારણે વાલીઓમાં પણ અભિયાન પ્રત્યે વધુ જાગૃતિ જોવા મળી હતી. “દરેક બાળક સુધી પોલિયો રસી પહોંચાડવી એ અમારી પ્રાથમિકતા” સુત્ર હેઠળ

વાલીયા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું કે, તાલુકાના દરેક બાળક સુધી પોલિયો વેક્સિન પહોંચે તે માટે આરોગ્ય ટીમે સંપૂર્ણ જવાબદારી સાથે કામગીરી કરી છે. સ્થાનિક સરપંચો, વાલીઓ અને આરોગ્યકર્મીઓના સહયોગથી અભિયાનને સફળતા મળી છે.

દેશને પોલિયો મુક્ત રાખવા માટે આવા પ્રયાસો અત્યંત મહત્વપૂર્ણ છે. એક પણ બાળક પોલિયાના ટીપાંથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા બૂથ સ્તરેથી લઈને ગામડાના અંતિમ છેડા સુધી મજબૂત આયોજન કરવામાં આવ્યું હતું.

વાલીયા તાલુકામાં પલ્સ પોલિયો અભિયાનની આ સુંદર અને સકારાત્મક કામગીરી બદલ તાલુકા આરોગ્ય વિભાગની ટીમને ગ્રામજનો અને જનતા તરફથી વ્યાપક સરાહના મળી રહી છે.

Back to top button
error: Content is protected !!