BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચના દાંડિયા બજારમાં લાકડાના મકાનમાં આગ:પાલિકાના ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ચિંગસપુરા રાણા સ્ટ્રીટમાં એક લાકડાના મકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
આગ ચિંગસપુરા વિસ્તારમાં રહેતા ડાહ્યાભાઈ રાણાના મકાનમાં લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ અસ્પષ્ટ છે, પરંતુ આગ ઝડપથી ફેલાઈ હતી.
આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, મકાનમાં રાખેલો ગેસ સિલિન્ડર પણ ફાટ્યો હોવાની આશંકા છે, જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી.
ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના ત્રણ ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ એટલી તીવ્ર હતી કે લાકડાનું આખું મકાન અંદરથી બળીને રાખ થઈ ગયું હતું. જોકે, કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી હતી, પરંતુ મોટા પાયે માલમત્તાને નુકસાન થયું છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!