ભરુચમાં વિદેશી દારૂનો વેપલો:વાલીયાના લુણા ગામમાંથી 2.89 લાખનો વિદેશી દારૂ જપ્ત, બે આરોપી ફરાર
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા પોલીસે પ્રોહિબિશન અને જુગાર વિરોધી અભિયાન અંતર્ગત મોટી કામગીરી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વાલીયા વિસ્તારમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાલીયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ.બી. તોમરે પ્રોહિબિશનના ગુનાઓને રોકવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. પીએસઆઈ કે.બી. ડોડીયાને મળેલી માહિતીના આધારે લુણા ગામે રેડ કરવામાં આવી હતી.
જે અંતર્ગત લુણા ગામનો લિસ્ટેડ બુટલેગર જગદિશ ઉર્ફે જગો રવિયાભાઈ વસાવા તેના ઘરની સામેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રહ્યો હતો.પોલીસની રેડ દરમિયાન આરોપી જગદિશ વસાવા ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસે રમેશ ઓલિયાભાઈ વસાવાના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2,652 નાની-મોટી બોટલો અને ટીન બિયર મળી કુલ રૂ. 2,89,200નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જગદિશ વસાવા અને રમેશ વસાવા બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.