BHARUCHNETRANG

અદાણી ફાઉન્ડેશનની અનોખી પહેલ: વાગરાના 30 ગામોમાં 4,915 પશુઓને અપાયું રસીકરણનું ‘સુરક્ષા કવચ’

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પશુઓના આરોગ્ય અને પશુપાલકોની આજીવિકા સુધારવા માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. પશુઓને જીવલેણ રોગોથી બચાવવા માટે ચલાવાયેલા વિશેષ HS (Hemorrhagic Septicemia) રસીકરણ અભિયાન અંતર્ગત માત્ર એક મહિનામાં જ 4,900થી વધુ પશુઓને રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.

 

ભરૂચના જિલ્લા પશુપાલન વિભાગના માર્ગદર્શન અને અદાણી ફાઉન્ડેશનના ‘સંકલિત પશુધન વિકાસ કાર્યક્રમ’ હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ફાઉન્ડેશનના ટેક્નિકલ પાર્ટનર બાયફ સંસ્થાના Artificial Insemination (A.I.) Technician ટીમે વાગરા તાલુકાના 30 જેટલા ગામોમાં ઘરે-ઘરે પહોંચીને આ સઘન કામગીરી પાર પાડી હતી. આ અભિયાન અંતર્ગત 1,245 ગાયો અને 3,670 ભેંસો મળીને કુલ 4,915 પશુઓનું સફળતાપૂર્વક રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેનો સીધો લાભ 431 પશુપાલક પરિવારોને મળ્યો છે.

 

આ પહેલ માત્ર રસીકરણ સુધી સીમિત ન હતી. ફાઉન્ડેશનની ટીમે ગામડાઓમાં પશુપાલકો સાથે સીધો સંવાદ સાધીને તેમને રોગ નિયંત્રણ, સમયસર રસીકરણનું મહત્વ અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા અંગે સચોટ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ HS રસીકરણથી પશુઓમાં ચેપી રોગોનું જોખમ અને મૃત્યુદર ઘટશે. સાથોસાથ પશુઓનું આરોગ્ય સુધરવાથી તેમની દૂધ ઉત્પાદન ક્ષમતા વધશે, જેના પરિણામે પશુપાલકોની આવક અને આજીવિકા વધુ મજબૂત બનશે.

 

આ અભિયાનની શાનદાર સફળતાની નોંધ અદાણી પોર્ટ, દહેજ ખાતે યોજાયેલી ટાઉન હોલ મીટિંગમાં પણ લેવામાં આવી હતી. અદાણી પોર્ટ દહેજના COO માનનીય કેપ્ટન ધર્મ પ્રકાશ સાહેબ દ્વારા સમગ્ર ટીમની વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે ટૂંકાગાળામાં સર્વાધિક રસીકરણનો લક્ષ્યાંક પાર પાડવા બદલ ટીમની પ્રસંશા કરી હતી. ગ્રામ્ય સમૃદ્ધિને વરેલું અદાણી ફાઉન્ડેશન ભવિષ્યમાં પણ પશુ આરોગ્ય સુધારણા અને પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે આવા લોકકલ્યાણકારી કાર્યક્રમો અવિરતપણે ચાલુ રાખવા માટે કટિબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!