BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં હાઈકોર્ટના નવા નિયમો સામે વકીલોનો ઉગ્ર વિરોધ, પરિપત્રની હોળી કરી નોંધાવ્યો રોષ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ : ગુજરાત હાઈકોર્ટ દ્વારા A4 સાઈઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત કરવાના પરિપત્ર સામે રાજ્યભરના બાર એસોસિએશનોમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ અનુસંધાને ભરૂચ બાર એસોસિએશન દ્વારા પણ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

હાઈકોર્ટના નવા નિયમો મુજબ તમામ કેસોના ફાઇલિંગ માટે A4 સાઈઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. વકીલોનું કહેવું છે કે જામીન અરજી, મુદ્દત અરજી સહિતની તાકીદની અરજીઓ ઘણી વખત ખૂબ જ ઓછી મુદતમાં તૈયાર કરવાની હોય છે. આવી સ્થિતિમાં દરેક અરજી ટાઇપ કરીને જ રજૂ કરવાની ફરજિયાત શરત વ્યવહારુ નથી. તેથી તાકીદની પરિસ્થિતિમાં પેનથી લખેલી અરજીઓ પણ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ મુદ્દે વિરોધ વ્યક્ત કરવા ભરૂચ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી દૂર રહી હડતાલ પાડી હતી. ભરૂચ કોર્ટ સંકુલ ખાતે વકીલ મંડળના સભ્યો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને હાઈકોર્ટના પરિપત્રની પ્રતિકાત્મક હોળી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

વકીલોના જણાવ્યા મુજબ, જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે.

Back to top button
error: Content is protected !!