વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હેપ્પી હાર્ટ પ્રી સ્કૂલમાં કરવામાં આવી


સમીર પટેલ, ભરૂચ
દર વર્ષે ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃત કરવાનો તેમજ પ્રકૃતિના રક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે.
વર્ષ ૧૯૭૩થી દર વર્ષે ૫ જૂનના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ નિમિત્તે પશ્ચિમ વિસ્તારમાં આવેલી હેપ્પી હાર્ટ પ્રી સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના ફાઉન્ડર રિયાઝ પટેલ, પ્રિન્સિપાલ આરીફા મેવાવાલા તેમજ શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત અંદાજે ૨૫ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ફાઉન્ડર રિયાઝ પટેલે સંદેશ આપતા જણાવ્યું હતું કે, “પર્યાવરણને સુરક્ષિત રાખવું એ આપણી સૌની જવાબદારી છે. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવી જોઈએ. વૃક્ષો આપણા જીવનનો આધાર છે અને આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવા માટે આપણે સૌએ વૃક્ષારોપણમાં સક્રિય ભાગ લેવો જોઈએ.”
કાર્યક્રમના અંતે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણ બચાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો…



