
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા સ્થિત ભવસાગર ડેમ ખાતેથી એક અત્યંત ચિંતાજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. શનિવારે (11 જુલાઈ, 2026) ડેમનો 15 નંબરનો મુખ્ય ગેટ અચાનક તૂટી પડતાં વહીવટી તંત્ર દોડતું થયું છે. ગેટ તૂટવાના કારણે ડેમનું પાણી કોઈપણ નિયંત્રણ વગર પ્રચંડ વેગ સાથે સીધું નદીના પટમાં વહેવા લાગ્યું છે, જેના કારણે નદીમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી વધી રહ્યો હોવાથી વહીવટીતંત્રે નીચાણવાળા 10 ગામોને હાઈ એલર્ટ કરી દીધા છે. લોકોને તાત્કાલિક અસરથી સલામત અને ઉપરવાસના વિસ્તારોમાં ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા લાઉડસ્પીકર મારફતે જાહેરાતો કરવામાં આવી રહી છે.
- રંઘોળા
- દેવળીયા
- લંગાળા
- ઝાંઝમેર
- પીપરળી
- ધારૂકા
- માલપરા
- ડંભાળીયા
- ચોગઠ
- ભાણગઢ (શિહોર તાલુકો)
ઘટનાની જાણ થતાં જ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી ભારે સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ છે. તૂટેલા ગેટની મરામત કરવા અથવા ત્યાં વૈકલ્પિક સ્ટોપ-લોગ ગેટ સ્થાપિત કરવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે જેથી પાણીના અનિયંત્રિત વહેણને વહેલી તકે રોકી શકાય.







