AHAVADANGGUJARAT

ભવાનડગડ–સુંદા માર્ગ બિસ્માર બનતા ગ્રામજનો પરેશાન : 15 દિવસ બાદ પણ તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદના કારણે અનેક આંતરિક માર્ગોની હાલત કથળી છે. ત્યારે વઘઇથી આહવા તરફ જતા માર્ગ પર આવેલા ભવાનડગડથી સુંદા ગામ તરફ જતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા સ્થાનિકો સહિત રોજિંદી અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદને કારણે માર્ગ પર અનેક સ્થળોએ ખાડા પડી ગયા છે તેમજ રસ્તાની સપાટી ધોવાઈ જતાં વાહનવ્યવહાર મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો સહિત મોટા વાહનો માટે આ માર્ગ જોખમી બન્યો હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠી રહી છે. વરસાદ બાદ રસ્તાની હાલત વધુ ખરાબ બની હોવા છતાં આજે પંદર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં માર્ગની મરામત કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેને પગલે ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ માર્ગ પરથી સ્થાનિક ગ્રામજનો ઉપરાંત વિદ્યાર્થીઓ, કામકાજ માટે જતા લોકો, ખેડૂતો તેમજ અન્ય વાહનચાલકોની રોજિંદી અવરજવર રહે છે. રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહનચાલકોને ખાડા અને કાદવમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. વરસાદ દરમિયાન સ્થિતિ વધુ વિકટ બનતી હોવાના કારણે અકસ્માતની શક્યતા પણ વધી છે.

સ્થાનિકોનું કહેવું છે કે, ચોમાસા દરમિયાન રસ્તાની યોગ્ય જાળવણી અને તાત્કાલિક મરામત કરવામાં આવે તો લોકોની મુશ્કેલીમાં ઘટાડો થઈ શકે, પરંતુ લાંબા સમયથી રસ્તાની સ્થિતિ યથાવત રહેતા હવે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક માર્ગો પર વાહનવ્યવહારને અસર થઈ હતી અને વઘઇ તાલુકામાં પણ અનેક રસ્તાઓ અસરગ્રસ્ત બન્યા હતા. આવા સંજોગોમાં આંતરિક ગ્રામ્ય માર્ગોની તાત્કાલિક મરામત કરવી જરૂરી બની છે. વહેલી તકે તંત્ર તાત્કાલિક ધ્યાન આપે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.ભવાનડગડ–સુંદા માર્ગની હાલતને લઈને સ્થાનિકો દ્વારા સંબંધિત વિભાગ સમક્ષ તાત્કાલિક સ્થળ તપાસ કરી મેટલિંગ, ખાડા પુરવા અને જરૂરી મરામત કામગીરી હાથ ધરવાની માંગ કરવામાં આવી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે રસ્તાની હાલત વધુ ખરાબ બને તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને ચોમાસા દરમિયાન લોકોને સલામત અવરજવર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોની લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીને તંત્ર ક્યારે ગંભીરતાથી લે છે અને ભવાનડગડથી સુંદા તરફના બિસ્માર માર્ગને ક્યારે રાહત મળે છે.

Back to top button
error: Content is protected !!