GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

આદિવાસી હકો માટે કડક કાર્યવાહી : NCSTની SBI સામે લાલ આંખ,બેકલોગ ભરતી અંગે મોટી ખાતરી આપી…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

સમસ્ત આદિવાસી સમાજની રજૂઆતને ગંભીરતાથી લેતા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આદિવાસીઓની બેકલોગની 321 જગ્યાઓમાં ગેરરીતિ થયાની ફરિયાદને ધ્યાનમાં લઈ એસટી સેલે SBI અધિકારીઓને તાકીદે હાજર રહેવા હુકમ કર્યો હતો અને ગેરહાજરીમાં કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી.

તા. 06/04/2026ના રોજ નવી દિલ્હીમાં NCST સમક્ષ SBI અને સમસ્ત આદિવાસી સમાજના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ સુનવણી યોજાઈ. આ સુનવણી દરમિયાન આદિવાસી સમાજની રજૂઆતને માન્ય રાખતાં SBI દ્વારા બેકલોગની તમામ જગ્યાઓ પારદર્શક રીતે જાહેર કરી ભરતી પૂર્ણ કરવાની બાંહેધરી આપવામાં આવી. સાથે સાથે આદિવાસી વિદ્યાર્થીઓને આગામી બેંક પરીક્ષાઓ માટે CSR ખર્ચે તાલીમ આપવાની ખાતરી પણ આપવામાં આવી.

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા NCSTના અધ્યક્ષ અંતરસિંહ આર્ય સમક્ષ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. જેમાં ગુજરાતમાં ચારણ, રબારી અને ભરવાડ જાતિને એસટી યાદીમાંથી દૂર કરવાની કાર્યવાહી ઝડપથી કરવાની માંગ તથા SBI ભરતીમાં 30% (60/200) અને ગુજરાત સરકારની વર્ગ-3 ભરતીમાં 40% કટ-ઓફ માર્ક દૂર કરવાની જોરદાર રજૂઆત કરવામાં આવી. અધ્યક્ષ દ્વારા આ તમામ મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી.

આ સુનવણીમાં ડૉ. પ્રદીપ ગરાસિયા, અતુલ ચૌધરી, છગનભાઈ ચૌધરી, હેમંત વેદવાલા અને પિયુષ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ. નિરવ પટેલે જણાવ્યું હતું કે આ સુનવણી આદિવાસી સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ અને સફળ સાબિત થઈ છે.

સમાજના પ્રશ્નો અંગે વર્ષોથી અવાજ ઉઠાવાતો રહ્યો છે, પરંતુ હવે અન્યાય સામે ખુલ્લેઆમ લડત આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આવનારા સમયમાં આદિવાસી સમાજના હિત માટે વધુ મજબૂત રીતે લડત ચાલુ રાખીશું…

Back to top button
error: Content is protected !!