ARAVALLIGUJARATMALPURMODASA

અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડા કરારનું મહા કૌભાંડ..! 16 ખેડૂતોના ₹ 87 લાખના ટ્રેક્ટરો ગાયબ, ચાર સામે ફરિયાદ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડા કરારનું મહા કૌભાંડ..! 16 ખેડૂતોના ₹ 87 લાખના ટ્રેક્ટરો ગાયબ, ચાર સામે ફરિયાદ

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને નિશાન બનાવતું કથિત ટ્રેક્ટર ભાડા કરાર કૌભાંડ સામે આવ્યું છે. માલપુર તાલુકાના 16 જેટલા ખેડૂતોએ સોલાર પ્લાન્ટમાં કામના બહાને પોતાના ટ્રેક્ટરો ભાડે આપ્યા હતા. પરંતુ કરાર પૂર્ણ થયા બાદ ટ્રેક્ટરો પરત ન મળતાં ખેડૂતોને છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે ચાર વ્યક્તિઓ સામે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

ફરિયાદ મુજબ આરોપીઓ વિવિધ ગામોમાં જઈ ખેડૂતો સાથે ત્રણ મહિનાના ભાડા કરાર કરતા હતા. શરૂઆતમાં એકથી બે મહિનાનું એડવાન્સ ભાડું તેમજ દર મહિને અંદાજે ₹17 હજારનું ભાડું ચૂકવી ખેડૂતોનો વિશ્વાસ જીતવામાં આવતો હતો. કરાર પૂર્ણ થયા બાદ ટ્રેક્ટરો પરત આપવાને બદલે ફરી નવો કરાર કરવાની વાત કરી સમય પસાર કરવામાં આવતો હતો. અંતે ટ્રેક્ટરો પરત ન મળતાં સમગ્ર કથિત કૌભાંડનો ભાંડો ફૂટ્યો.

ફરિયાદી ખેડૂતોના જણાવ્યા મુજબ બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામના વિજયભાઈ રાધાભાઈ અને સુનિલભાઈ કાળાભાઈ પરમાર સમગ્ર કથિત કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. જ્યારે ગોવિંદપુરના કનુભાઈ જશુભાઈ પાંડોર ખેડૂતોના ઘરે જઈ ડ્રાઈવર તરીકે ટ્રેક્ટરો લઈ જતો હતો. માલપુર તાલુકાના 14 ખેડૂતોને માલપુર બોલાવી ભાડા કરાર કરાવવામાં આવ્યા હતા. કરાર પૂર્ણ થયા બાદ આરોપીઓનો સંપર્ક તૂટી જતાં ખેડૂતો તેમના ઘરે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં ટ્રેક્ટરો કે આરોપીઓ કોઈ મળી આવ્યા નહોતા. અંતે ખેડૂતોને પોલીસનો સહારો લેવો પડ્યો.

આ મામલે બાયડના પ્રાંતવેલ ગામના વિજયભાઈ રાધાભાઈ, સુનિલભાઈ કાળાભાઈ પરમાર, માલપુરના પ્રવીણ કનકાભાઈ મસાર અને ગોવિંદપુરના કનુભાઈ જશુભાઈ પાંડોર સામે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી ખેડૂતોનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે આરોપીઓ પોતાના ઘરે દસ જેટલા ટ્રેક્ટરો એકત્ર કર્યા બાદ રાત્રિના સમયે કન્ટેનરમાં ભરી અન્ય સ્થળે ખસેડી દેતા હતા. ખેડૂતોને શંકા છે કે તેમના ટ્રેક્ટરો માંગરોળ, જૂનાગઢ, બગોદરા, જામનગર, હરિયાણા તેમજ મહીસાગર જિલ્લાના વિરપુર વિસ્તારમાં હોઈ શકે છે. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે.

Back to top button
error: Content is protected !!