GUJARATKUTCHMANDAVI

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય /પેટા ચૂંટણી મતદાન મથકોની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં બૂથ ઉભા કરી શકાશે નહીં

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૬ એપ્રિલ : આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય /પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી આયોગના તા.૧૭/૧૧/૨૦૨૧ના હુકમ ક્રમાંક: રાચ૫-ચટણ-સીઓસી-સ્થા.સ્વ.-૧૩૮(૧)-૧૧૨૦૨૧-ક થી, મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા તથા રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા ઉભા કરવામાં આવતા બૂથોના નિયમન બાબતે જરૂરી સૂચનાઓ આપેલી છે.

જેથી શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ – ભુજ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬ સંદર્ભે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા તથા રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા ઉભા કરવામાં આવતા બૂથોના નિયમન બાબતે નીચે મુજબના હુકમો કર્યા છે. મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ બૂથ ઉભું કરી શકાશે નહીં. જ્યાં એક જ પ્રિમાઈસીસમાં એકથી વધુ મતદાન મથક ઉભા કરવામાં આવેલા હોય ત્યાં પણ આવા પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારની બહાર આવા મતદાન મથકોના જૂથ દીઠ એક જ બૂથ પ્રતિ ઉમેદવાર ઉભા કરી શકાશે. આવા દરેક બૂથ દીઠ ફક્ત એક ટેબલ, બે ખુરશી અને બે જ વ્યક્તિ રહી શકશે. આ બે વ્યક્તિઓ હવામાન પરિસ્થિતિઓથી બચવા ફક્ત એક છત્રી અથવા તાડપત્રી કે કપડાનો ટુકડો ઉપયોગમાં લઈ શકશે. પરંતુ તેની ચારે બાજુથી કંતાન કે કાપડથી બંધ કરી શકાશે નહી. આવા બૂથો ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય ઉભા કરી શકાશે નહીં. ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પરવાનગીમાં દર્શાવેલા નામ સિવાયના વ્યક્તિ આવા બૂથ પર હાજર રહી શકશે નહીં. આ ઉપરાંત આવા બૂથ ઉભા કરવા માટે જે-જે સ્થાનીય સત્તામંડળો પાસેથી પરવાનગી મેળવવી જરૂરી હોય તેની પરવાનગી પહેલેથી જ મેળવી લેવાની રહેશે. આવા બૂથની તમામ પરવાનગીઓ બૂથ ખાતે રાખવાની રહેશે. આવા બૂથ ફક્ત ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓને આધીન તૈયાર કરવામાં આવેલ ઉમેદવારના નામ અને પ્રતીક તેમજ રાજકીય પક્ષના નામ છાપ્યા સિવાયની બિનસત્તાવાર મતદાર કાપલી કાઢી આપવાના એકમાત્ર હેતુથી જ ઉભા કરી શકાશે. આવા બૂથ પર કોઈપણ સંજોગોમાં ભીડ જમા થઈ શકશે નહીં. જે વ્યક્તિઓ મતદાન કરી ચૂક્યા હોય તેવા વ્યક્તિઓ આવા બૂથ પર જઈ શકશે નહી. આવા બૂથ પર રહેલા વ્યક્તિઓ કોઈ પણ સંજોગોમાં મતદારોને અન્ય ઉમેદવારના બૂથ તરફ જતાં કે મતદાન મથક તરફ જવાના રસ્તામાં કોઈપણ પ્રકારે મતદારોને તેમની ઈચ્છા મુજબ પોતાનો મતાધિકાર ભોગવવાથી અવરોધી શકશે નહીં.

કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુનામાં જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉ૫રનાં કર્મચારીઓને રહેશે.

Back to top button
error: Content is protected !!