
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના અવસરે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) સુબિર પ્રખંડ દ્વારા એક પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમ અંતર્ગત સુબિર તાલુકાના અવિરત લોકસેવામાં કાર્યરત વિવિધ સરકારી કાર્યાલયોના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓને બહેનોએ પોતાના હાથે રાખડી બાંધી ઉત્સાહપૂર્વક રક્ષાબંધનની ઉજવણી કરી હતી.પ્રજાની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ લોકકલ્યાણના કાર્યોમાં સતત ખડેપહેલે રહેતા કર્મચારીઓની નિષ્ઠાને બિરદાવવા માટે સુબિર પ્રખંડની બહેનોએ ઉત્સાહભેર વિવિધ સરકારી સંસ્થાઓની મુલાકાત લીધી હતી.આ અભિયાન દરમિયાન બહેનો દ્વારા સુબિર તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી સુબિર, ફોરેસ્ટ ઓફિસ સુબિર અને પોલીસ સ્ટેશન સુબિર ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને રોળ, તિલક કરી, મોં મીઠું કરાવીને રક્ષા સૂત્ર (રાખડી) બાંધવામાં આવી હતી.દિવસ-રાત જોયા વગર જનસેવા અને દેશસેવામાં સમર્પિત રહેતા આ તમામ સ્ટાફગણે બહેનોના હસ્તે રાખડી બંધાવીને આશીર્વાદ અને સ્નેહ પ્રાપ્ત કર્યો હતો. સાથે જ, ઉપસ્થિત તમામ અધિકારીઓએ બહેનોની સુરક્ષા અને સન્માન માટે હંમેશા તત્પર રહેવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.વિશ્વ હિન્દુ પરિષદ સુબિર પ્રખંડ દ્વારા યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમે ભાઈ-બહેનના પવિત્ર સંબંધોની સાથે-સાથે પ્રશાસન અને પ્રજા વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવ્યો હતો, જેને લઈને સમગ્ર સુબિર પંથકમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો..



