પશુની ચોરી કરનાર ઝડપાયા: ભરૂચના થામ ગામે બકરીના બચ્ચાની ચોરી કરનાર બે શખ્સોને સ્થાનિકોએ પકડ્યા, પોલીસે તપાસ શરૂ કરી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં પશુ ચોરીના કિસ્સામાં પોલીસની નેમ પ્લેટવાળી કાર સાથે બે શખ્સો ઝડપાયા છે. આ બંને શખ્સોમાં એક ભૂતપૂર્વ GRD જવાન અને બીજો હાલમાં TRB જવાન તરીકે ફરજ બજાવે છે.
થામ ગામના સુમિત આહીર જ્યારે તેમના કાકાના દીકરા જીલુ સાથે પશુઓને ચરાવવા બુલેટ ટ્રેનના કામ ચાલી રહ્યું છે તે વિસ્તારમાં ગયા હતા, ત્યારે વાદળી કલરની કારમાં આવેલા બે શખ્સોએ તેમને જમવાનું પૂછ્યું હતું. સુમિતે ના પાડ્યા બાદ તેઓ ગામ તરફ જવા નીકળ્યા, પરંતુ આ શખ્સોએ તેમની નજર ચૂકવીને એક બકરીના બચ્ચાને કારમાં પાછળની સીટમાં છુપાવી દીધું હતું.
શંકા જતાં સુમિતે તેમની પાછળ દોડ મૂકી હતી, પરંતુ કાર પગુથણ ગામ તરફ ભાગી ગઈ. સુમિતે ત્રાલસા ગામના ઓળખીતાઓને જાણ કરતાં, સ્થાનિકોએ દયાદરા અને ત્રાલસા ગામ વચ્ચે કારને રોકી લીધી હતી. કારની તપાસ કરતાં ડેશબોર્ડ પર POLICE લખેલું લાલ-વાદળી કલરનું બોર્ડ અને પાછળની સીટમાંથી ચોરાયેલું બકરીનું બચ્ચું મળી આવ્યું હતું.
પોલીસ તપાસમાં આરોપીઓની ઓળખ દિનેશ ગણપતભાઇ મકવાણા અને ભુપેન્દ્ર સુરેશભાઈ વસાવા તરીકે થઈ હતી. દિનેશ અગાઉ GRD માં અને ભુપેન્દ્ર હાલમાં TRB માં ફરજ બજાવે છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.