BODELICHHOTA UDAIPUR

બોડેલી પોલીસની ફિલ્મી ઢબે રેડ: રૂ. 3 લાખના વિદેશી દારૂ સાથે ઇકો કાર સહિત કુલ રૂ. 7.98 લાખનો મુદ્દામાલ ઝડપાયો, બુટલેગરોમાં ફફડાટ

બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ. બરંડાને મળેલી ચોક્કસ બાતમીના આધારે, સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે.એમ. રાઠોડ અને તેમની ટીમ (એએસઆઈ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ, વિજયભાઈ, અર્જુનભાઈ અને કોન્સ્ટેબલ કિશનભાઇ) દ્વારા બમકોઈ ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલ પર વહેલી સવારથી વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમી મુજબની ઇકો કાર (GJ-06/ PG-4475) ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે પુરપાટ ઝડપે ભગાડી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે આ કારનો પીછો કરતાં, પકડાઈ જવાની બીકે ચાલક ખાંડીયા ગામની સીમમાં સ્મશાન તરફ જવાના કાચા રસ્તા પર ગાડી મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે તકેદારીપૂર્વક ઇકો કારની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ રૂપિયા 2,98,000/- નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 5 લાખની ઇકો કાર અને દારૂ સહિત કુલ રૂપિયા 7,98,608/- નો મુદ્દામાલ જપ્ત કરી, ક્રેનની મદદથી ગાડી પોલીસ સ્ટેશન લાવી ફરાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બોડેલી પોલીસની આ સફળ અને સપાટાબંધ કામગીરીથી પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓ અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

રિપોર્ટર તોસીફ ખત્રી


Back to top button
error: Content is protected !!