BODELICHHOTA UDAIPUR

બોડેલીમાં ઈદે મિલાદની ઉજવણી અદબ સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું સારા વરસાદ માટે ખાસ દુઆઓ ગુજારવામાં આવી

બોડેલીમાં ઈદે મિલાદની ઉજવણીને લઈને મુસ્લિમ વિસ્તારો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. હઝરત મોહમ્મદ પયગંબર (ર અ ) સાહેબના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બોડેલીમાં ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું.એક તરફ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો બીજી તરફ મુસ્લિમ સમાજના પવિત્ર ઈદે મિલાદના પર્વને લઈને બોડેલી નગર ધાર્મિક માહોલમાં રંગાઈ ગયું છે. ધર્મપ્રિય અને ઉત્સવપ્રિય બોડેલી નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા હઝરત મોહમ્મદ પયગંબર (ર.અ) સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબી પર્વની ધાર્મિક માહોલ અને અદબ સાથે ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરના વિવિધ મુસ્લિમ વિસ્તારો, મોહલ્લાઓ, ઘરો અને મસ્જિદોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.ઈદે મિલાદના પર્વ નિમિત્તે છેલ્લા બાર દિવસથી બોડેલીની વિવિધ મસ્જિદોમાં વાયઝ શરીફ, નાત શરીફ અને કુરઆન ખ્વાની સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમો બાદ દેશ અને દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ સારા વરસાદ માટે ખાસ દુઆઓ ગુજરવામા આવી હતી ઈદે મિલાદ પર્વ હઝરત મોહમ્મદ પયગંબર (ર. અ ) સાહેબના સાદગીભર્યા જીવન, ત્યાગ, બલિદાન, સત્ય અને માનવતાના સંદેશને યાદ કરવાનો અવસર છે. પયગંબર સાહેબના જીવન અને ઉપદેશોમાં સમગ્ર માનવજાત માટે પ્રેમ, ભાઈચારો, અમન અને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો છે. આ જ સંદેશને આગળ ધપાવતા મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની શાંતિપૂર્ણ અને અદબભરી ઉજવણી કરવામાં આવી હતી. બાર દિવસની ધાર્મિક ઉજવણી બાદ આજે ઈદે મિલાદ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં તેમજ બોડેલી શહેરમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલુસમાં મુસ્લિમ સમાજના બિરાદરો નાત શરીફ અને દુરૂદ શરીફ પઢતા અદબ અને શાંતિ સાથે જોડાયા હતા.મુસ્લિમ ધર્મગુરુ સૈયદ હસનઅલીબાવા, સાહેબ સૈયદ મોહસીન અલી બાવા સાહેબ,સૈયદ શઇદ બાપુ,સૈયદ ફિરોજ બાપુ, સાથે બોડેલી નગરના હાફેજ સાહેબો સાથે બોડેલી નગરના મુસ્લિમ આગેવાનો બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા જુલુસ શાંતિપૂર્ણ અને સદભાવનાપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બોડેલી પોલીસે શાંતિ સમિતિની બેઠક પણ યોજી હતી. જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોડેલી પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા બંદોબસ્ત અને ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!