BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી: બોડેલી તાલુકામાં એકતા, પરંપરા અને કોમી સૌહાર્દનો અનોખો સંગમ


9મી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા ભારે ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બોડેલીના અલીપુરા સ્થિત ગોપેશ્વર મહાદેવ મંદિરથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બોડેલી અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં આબાલવૃદ્ધો, યુવાનો તથા ભાઈ-બહેનો પરંપરાગત વેશભૂષા, આભૂષણો તેમજ પાળિયા, લાઠી અને તીર-કામઠા જેવા સાંસ્કૃતિક પ્રતીકો સાથે ઉત્સાહભેર જોડાયા હતા. રામઢોલ અને પીહા જેવા વાદ્યોના તાલે આદિવાસી નૃત્ય કરતી આ રેલી જ્યારે અલીપુરા ચાર રસ્તા પહોંચી ત્યારે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ત્યારબાદ ‘જય જોહાર, જય આદિવાસી’, ‘આદિવાસી એકતા ઝિંદાબાદ’ અને ‘જય ભીમ’ના બુલંદ નારા સાથે અલીપુરા અને બોડેલીના મુખ્ય રાજમાર્ગો પર ફરીને રેલી શેઠ ટી.સી. કાપડિયા કોલેજ ખાતે પહોંચી સભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં યુવા આગેવાનો દ્વારા સમાજની એકતા, શિક્ષણ, જાગૃતિ, વિકાસ અને હક-અધિકારો પર પ્રાસંગિક વક્તવ્યો આપવામાં આવ્યા હતા. આ પવિત્ર પ્રસંગે બોડેલીના મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી આગેવાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી, શુભેચ્છાઓ પાઠવી અને ઠંડા પીણાંનું વિતરણ કરીને કોમી એકતા અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

રિપોર્ટર તોસીફ ખત્રી

 

Back to top button
error: Content is protected !!