કરાલી પોલીસ દ્વારા રમજાન ઈદ અને રામનવમીના તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના કરાલી પોલીસ સ્ટેશન ખાતે આગામી આવનાર રામનવમી અને રમજાન ઈદ ના તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. કરાલી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં બંને સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રમઝાન ઈદ ૩૧ માર્ચે અને રામનવમી ૬ એપ્રિલે ઉજવવામાં આવનાર છે. ત્યારે કરાલી પીએસઆઈ દ્વારા તહેવોરાની કોમી એખલાસની ભાવના તથા શાંતિપૂર્ણ માહોલ સાથે ઉજવણી કરવા અપીલ કરાઇ હતી. ઉપરાંત તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે જરૂરી સુચના સાથે માર્ગદર્શન અપાયું હતું.
મુસ્લિમ સમાજ હિંદુ સમાજના તમામ ઉત્સવોમાં સહભાગી થાય છે. તે જ રીતે હિંદુ સમાજ પણ મુસ્લિમ સમાજના ઉત્સવોમાં સહયોગ આપે છે. શાંતિ સમિતિના સભ્યોએ જણાવ્યું કે, ભાઈચારા સાથે તમામ તહેવારોની ઉજવણી થતી આવી છે અને આગળ પણ થતી રહેશે. બંને તહેવારોની સફળ અને શાંતિપૂર્ણ ઉજવણી માટે સૌએ સાથે મળીને કામ કરવાનો સંકલ્પ લીધો હતો. બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપા લઘુમતી મોરચા સભ્ય મુબારક ભાઈ ખત્રી, સુધીર ભાઈ દેસાઈ, ઈરફાન ભાઈ ખત્રી, યાસીનભાઈ ખત્રી, અશ્વિનભાઈ, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર