જાતિનું બોગસ પ્રમાણપત્ર બનાવી ચૂંટણી લડનાર છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સસ્પેન્ડ

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખને જાતિના બોગસ પ્રમાણપત્રને લઇને જિલ્લા કલેક્ટરે સસ્પેન્ડ કરી દીધા છે. આ નિર્ણયને પગલે ભાજપને ભારે લપડાક પડી છે અને બોગસ જાતિના દાખલા મેળવીને ચૂંટણી લડનારાઓમાં ભારે ફફરાટ વ્યાપી ગયો છે. પ્રમુખ સસ્પેન્ડ થતાની સાથે જ છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ નંબર-4 ની બેઠક હવે ખાલી પડી છે.
મહત્વનું છે કે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી વખતે વોર્ડ નંબર ચારમાં અનુસૂચિત જનજાતિ અનામત બેઠક ઉપર મંજુલાબેન કિશનભાઇ કોળી ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડીને વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદ ભાજપે તેમને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે બેસાડ્યા હતા. જો કે, તેમણે જાતિનું બોગસ પ્રમાણપત્ર મેળવ્યું હોવાનું વિશ્લેષણ સમિતિમાં સાબિત થતાં, સમિતિએ આ દાખલો રદ કરવા માટે છોટાઉદેપુર મામલતદારને સૂચના આપી હતી.
પોતાનું નગરપાલિકા પ્રમુખ અને સભ્ય પદ બચાવવા માટે તેમણે જિલ્લા કલેક્ટર પાસે દાદ માંગી હતી. પરંતુ જિલ્લા કલેકટરે છેલ્લી સુનાવણી દરમિયાન યોગ્ય આધાર-પુરાવા માંગતા પ્રમુખ તે રજૂ કરી શક્યા ન હતા. આથી જિલ્લા કલેક્ટરે નગરપાલિકાના પ્રમુખને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.
પ્રમુખના સસ્પેન્શન બાદ હવે નગરપાલિકામાં ઇન્ચાર્જ પ્રમુખ તરીકેનો ચાર્જ ઉપપ્રમુખ સંભાળશે. પ્રમુખ સસ્પેન્ડ થતાં જ સમાજવાદી પાર્ટીને સત્તાનું સુકાન મળતા તેમનામાં ખુશીનો માહોલ છવાયો છે, જ્યારે બીજી તરફ છોટાઉદેપુર નગરપાલિકામાં હવે ભાજપનું શાસન જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
છોટાઉદેપુર જિલ્લામાં બોગસ જાતિના દાખલાનું પ્રમાણ વધુ છે. નગરપાલિકા પ્રમુખનો બોગસ દાખલો સાબિત થતાં અત્યાર સુધી સત્તાધારી પાર્ટી પર વિપક્ષો દ્વારા લગાવાતા આરોપો સાચા ફલિત થયા છે, જેના કારણે ભાજપની છબીને મોટો ધક્કો લાગ્યો છે અને પક્ષમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના બાદ છોટાઉદેપુર નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં બોગસ દાખલાના આધારે ચૂંટણી લડેલા તમામ લોકોમાં ફફડાટ ફેલાયો છે.




