જોબ ચાર્ટના મુદ્દે બોડેલી તાલુકાના તલાટીઓની નારાજગી: મહેસૂલી કામગીરી બંધ કરી TDO અને મામલતદારને આવેદનપત્ર આપ્યું



છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તલાટી કમ મંત્રીઓએ લાંબા સમયથી પડતર રહેલા જોબ ચાર્ટ અને વધારાની કામગીરીના મુદ્દે સરકાર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે, જેના ભાગરૂપે રાજ્ય અને જિલ્લા તલાટી મંડળના આહ્વાનને અનુસરીને તલાટીઓએ મહેસૂલી કામગીરી સદંતર બંધ રાખી TDO અને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. બોડેલી તાલુકા તલાટી મંડળના જણાવ્યા અનુસાર, ગ્રામ્ય કક્ષાએ પંચાયત, મહેસૂલ અને ખેતીવાડી સહિતના અનેક વિભાગોનું ભારણ વર્ષોથી એક જ કેડર પર નાખવામાં આવતા તલાટી કમ મંત્રીઓ પર કામનું દબાણ અતિશય વધી ગયું છે. વર્ષ ૨૦૨૨ની હડતાળ બાદ સરકાર સાથે થયેલા સમાધાનને સાડા ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમજ તાજેતરમાં જ મહેસૂલી તલાટીઓની ભરતી અને પોસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, સરકાર દ્વારા બંને કેડરના જુદા-જુદા જોબ ચાર્ટ હજુ સુધી અમલમાં મૂકવામાં આવ્યા નથી, જેના લીધે કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. તલાટી મંડળની મુખ્ય માંગણી છે કે મહેસૂલ વિભાગની તમામ કામગીરી નવયુક્ત મહેસૂલી તલાટીઓને સોંપવામાં આવે અને તલાટી કમ મંત્રીઓ પાસે માત્ર પંચાયત તથા ગ્રામ વિકાસ વિભાગનું જ કામ રાખવામાં આવે. વારંવારની રજૂઆતો છતાં જો સરકાર દ્વારા આ બાબતે કોઈ ત્વરિત અને યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો બોડેલી તાલુકા તલાટી મંડળે આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનના કાર્યક્રમો હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
રિપોર્ટર ખત્રી તોસીફ




