કુરન ચેકડેમની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ખાવડા કચ્છ.
ખાવડા કચ્છ,તા-૨૮ જૂન : કચ્છના બે દિવસીય પ્રવાસે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે દ્વિતીય દિવસે કુરન ખાતે નિર્માણાધિન કુરન ચેકડેમની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત સરકારે રૂ.૮ કરોડથી વધુની રકમ આ ચેકડેમનો વિસ્તાર વધારીને મહત્તમ જળસંગ્રહ હેતુથી ફાળવી છે. કાળા ડુંગર સહિત આજુબાજુના પહાડોમાંથી એકત્રિત થતા તેમજ રણમાં વહી જતાં મીઠા પાણીના સંગ્રહ કરવા માટે આ ચેકડેમ મહત્વપૂર્ણ બની રહેશે.મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન ચેકડેમ ખાતે સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા આયોજિત ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં સહભાગી બનીને વૃક્ષારોપણ કર્યું હતું. કુરન ચેકડેમના કાર્યાન્વિત થવાથી આ વિસ્તારના લોકોને ઘરઆંગણે જ પેયજળ સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે અને અન્ય જળસ્રોત ઉપરની નિર્ભરતા ઘટશે.આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, કચ્છ સિંચાઈ વર્તુળના સુપ્રિટેન્ડેન્ટ ઈજનેર શ્રી એસ.ટી. ચૌધરી, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ શ્રી જયંત પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.