૭ મેના રોજ અમદાવાદ જિલ્લામાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
દેશભરના વિવિધ વિસ્તારોમાં ૭મી મેના રોજ યોજાનારી સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ વિશેષ તાકીદે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ‘ઓપરેશન અભ્યાસ’ના ભાગરૂપે આ મોકડ્રીલ બપોરે 4.00 કલાકથી રાત્રે 8.15 કલાક સુધી યોજાશે, જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોના અંદાજિત 15 સ્થળોનો સમાવેશ કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર સુજીત કુમારે મીડિયાને આપેલી માહિતી અનુસાર, આ ડ્રિલનો મુખ્ય હેતુ આવનારી આકસ્મિક અને કપરી પરિસ્થિતિઓમાં નાગરિકોની તૈયારી અને સજાગતા વધારવાનો છે. શહેરના વિવિધ જાહેર સ્થળો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, ફાયર સ્ટેશનો, પાવર સ્ટેશનો, ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને ભીડભાડવાળા વિસ્તારોમાં પ્રાયોગિક રીતે કામગીરી દર્શાવવામાં આવશે. સાયરન વગાડી નાગરિકોને સંકેત આપવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને મોકડ્રીલને સફળ બનાવવા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. બ્લેકઆઉટ અભ્યાસ રાત્રે 7:45 થી 8:15 દરમિયાન યોજાશે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને આ અભ્યાસમાં સહભાગી થવા અને પોતાની જવાબદારી રૂપે સહકાર આપવા અનુરોધ કર્યો છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.