વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૭ સપ્ટેમ્બર : ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી કરાશે.
“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેમ કે, સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, બાગ-બગીચાઓ, ફૂટપાથ તેમજ થીમ આધારિત સફાઈ કામગીરીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવે, ધાર્મિક અને પ્રવાસન સ્થળો નદી, તળાવો, સર્કલ, પ્રતિમાઓ, સરકારી કચેરીઓ, શહેરના એન્ટ્રી પોઈન્ટ વિગેરેની સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ IEC પ્રવૃત્તિ અન્વયે “સ્વચ્છતા હી સેવા” ના લોગો સાથે સેલ્ફી પોઈન્ટ બનાવી સ્વચ્છતા જાગૃતિ કેળવી, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શાળા-કોલેજોમાં સ્વચ્છતા અંગે ક્વીઝ, રંગોળી, ચિત્ર, સૂત્રો, નિબંધો, કવિતા, વોલ પેન્ટિંગ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, વૃક્ષારોપણ, શેરી નાટક, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વિગેરે જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે. કચ્છ જિલ્લામાં તા.૧૭/૦૯/૨૦૨૫ના રોજ ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ કાર્યક્રમનો શુભારંભ શહેરો તથા ગ્રામ્યકક્ષાએ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમ હેઠળ કચ્છના તમામ તાલુકામાં શહેર તથા ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમાં વૃક્ષારોપણ, શ્રમદાન અને લોક ભાગીદારીથી ગામની સફાઇ, સ્વચ્છતા શપથ, સ્વચ્છતા રેલી અને કચરાના ઢગલાની સાફસફાઇથી કરવામાં આવી હતી.
”સ્વચ્છોત્સવ” કાર્યક્રમ અંતર્ગત ભચાઉ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા દ્વારા 10 ગામો ચોબારી, કલ્યાણપર, કણખોઈ, આધોઈ, કંથકોટ, મનફરા, માય સામખીયાળી ,છાડવાડા અને શિકારપુરમાં ડોર ટુ ડોર કચરા કલેશન માટે ઈ-રિક્ષાને લીલી ઝંડી આપવામાં આવી હતી. તાલુકા પંચાત પ્રમુખશ્રી રણુભા જાડેજા, ભચાઉ તાલુકા નગર પાલિકા પૂર્વ પ્રમુખશ્રી કુલદીપસિંહ જાડેજા, ભચાઉ તાલુકા પંચાયત સદસ્યોશ્રી, સામાજીક અગ્રણીઓ, તાલુકા પંચાયત અને એસબીએમ સ્ટાફ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યારે અંજાર, લખપત, રાપર, નખત્રાણા સહિતના તમામ તાલુકામાં ગ્રામ્યકક્ષાએ સફાઇ કામગીરી કરાઇ હતી. જેમં સુગારીયા,નાગલપુર, મીઠી રોહર, રામવવા , સોનલવા, ભડલી સહિતના ગામોમાં વૃક્ષારોપણ, ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરી, શાળામાં સફાઇ કામગીરી, ગામના જાહેર સ્થળોની સફાઇ, રોડ-રસ્તાની સફાઇ સહિતની કામગીરી કરાઇ હતી. આ કામગીરીમાં ગામના સરપંચશ્રી, ઉપ સરપંચશ્રી, તલાટીશ્રી, આંગણવાડી બહેનો તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ તથા ગ્રામજનો જોડાયા હતા.