RAJKOT – રાજકોટ જિલ્લા નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ

RAJKOT – રાજકોટ જિલ્લા નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ
શાળા કોલેજના ૧૦૦ મીટર વિસ્તારમાં તંબાકુ વેચાણ પ્રતિબંધાત્મક ધારાનો અમલ, નશીલા સિરપના વેચાણ પર કાર્યવાહી કરવા સૂચના
રાજકોટ તા. ૦૧ જાન્યુઆરી – યુવા ધન નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તેમજ નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ કર્તા વિરુદ્ધ કાર્યવાહી કામગીરી સંદર્ભે રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક નિવાસી અધિક કલેકટર શ્રી એ.કે.ગૌતમ ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.
નિવાસી અધિક કલેકટર શ્રીએ નશીલા પદાર્થોના સેવન અને તેના વેચાણ પર સખ્ત હાથે કામગીરી કરવા, શાળા કોલેજના ૧૦૦ મીટર વિસ્તારમાં તંબાકુ વેચાણ પ્રતિબંધાત્મક ધારાનો અમલ કરવા, ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાનું વાવેતર ના થાય તે માટે ખેતીવાડી તેમજ ફોરેસ્ટ વિભાગને સમયાંતરે ચેકિંગ હાથ ધરવા અધિકારીશ્રીઓને સુચના આપી હતી. સાથોસાથ વિદ્યાર્થીઓ નશીલા પદાર્થના સેવનથી દૂર રહે તે માટે શાળા કોલેજમાં નશાકારક પદાર્થ, ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ કાર્યક્રમો વ્યાપક બનવવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર ડ્રગ્સના દુષણને સખત હાથે ડામી દેવા કાર્યરત છે ત્યારે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા કડકાઈ થી કામગીરી કરવા એસ.ઓ.જી.વિભાગ કામગરી કરી રહ્યો છે.
આ તકે પ્રાંત અધિકારી સર્વે શ્રી ચાંદની પરમાર, મહેક જૈન, શ્રી વિમલ ચક્રવર્તી, એસ.ઓ.જી.ના પોલીસ અધિકારીશ્રીઓ, સમાજ સુરક્ષા વીભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીશ્રીઓ જોડાયા હતાં.








