
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખનન મામલે અધિકારીઓને આડે હાથ લીધા બાદ હવે અંકલેશ્વરમાં આવેલી કામદારો માટે આશીર્વાદ સમાન ESIC હોસ્પિટલના વહીવટકર્તાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતીના આક્ષેપ કરી આ અંગે શ્રમ રોજગાર મંત્રીને રજૂઆત કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
આ પોસ્ટમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, જેમાં ગેરરીતી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને રીન્યુ કરવા રૂપિયા 1 લાખ તો નવા ઉમેદવારો પાસે ચાર પગાર એડવાન્સ પેટે લેવામાં આવી રહ્યા હોવાના મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે એજન્સી દ્વારા ઉમેદવારોને અમદાવાદની હેડ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પૈસા અપાયા પછી જ પસંદગી લેટર આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ અંગે મનસુખ વસાવાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ESIC હોસ્પિટલમાં ભરતીમાં થતી ગેરરીતિ મામલે તેઓને અનેક ફરિયાદ મળી હતી. જે બાદ તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં એજન્સી દ્વારા રૂપિયાનો વહીવટ કરાતો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ બાબતે તેઓ દ્વારા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાને રજૂઆત કરવામાં આવશે.





