DAHODLIMKHEDA

પીપલોદની જૂની રેલવે ફાટક પર મોતનો મંજાર: હજારો લોકો અને 2800થી વધુ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં, તંત્ર ક્યારે જાગશે?

તા.૧૫.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:પીપલોદની જૂની રેલવે ફાટક પર મોતનો મંજાર: હજારો લોકો અને 2800થી વધુ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં, તંત્ર ક્યારે જાગશે?

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં મેન બજાર નજીક આવેલી જૂની રેલવે ફાટક અને જુના રણધીકપુર રોડ વિસ્તાર આજે પણ મોતના માર્ગ તરીકે ઓળખાઈ રહ્યો છે. વર્ષોથી લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને અવરજવર કરવા મજબૂર બન્યા છે, છતાં તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.આ માર્ગ પરથી મધ્યસ્થ શાળા, કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના આશરે 2000 વિદ્યાર્થીઓ દરરોજ પસાર થાય છે. ઉપરાંત દેવગઢ બારીયા કોલેજોમાં અભ્યાસ માટે જતા આશરે 800 વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના 60થી 70 ગામોના 4000થી વધુ રાહદારીઓ રોજિંદી અવરજવર માટે આ જોખમી માર્ગનો ઉપયોગ કરે છે. આમ, દરરોજ હજારો લોકો અકસ્માતના ભય વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ કરવા મજબૂર બન્યા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 20 વર્ષથી ફૂટ ઓવરબ્રિજની માંગ કરવામાં આવી રહી છે. અનેક વખત ખાતમુહૂર્ત અને જાહેરાતો થઈ હોવાના દાવા થયા, પરંતુ કામ માત્ર કાગળો સુધી જ સીમિત રહ્યું છે. હાલનો ઓવરબ્રિજ વાહનો માટે છે, જ્યારે પગપાળા જતા લોકોને ત્રણ કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે. પરિણામે લોકો સીધા ટ્રેક પરથી પસાર થાય છે.વર્ષો દરમિયાન આ સ્થળે અનેક રેલવે અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોનો સીધો સવાલ છે કે જો આવતીકાલે કોઈ વિદ્યાર્થી કે નિર્દોષ નાગરિકનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? ગ્રામજનોએ રેલવે વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, સાંસદ અને લોકપ્રતિનિધિઓને ચેતવણીભર્યા સ્વરે માંગ કરી છે કે પીપલોદની જૂની ફાટક ખાતે તાત્કાલિક ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ શરૂ કરવામાં આવે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગે તેવી જનતાની તીવ્ર માંગ છે.

Back to top button
error: Content is protected !!