
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૦૪ ઓગસ્ટ : અદાણી ફાઉન્ડેશન જળ સંરક્ષણ, જળ સંવર્ધન અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. ચાલુ વર્ષે મેઘરાજાની અનરાધાર મહેરથી કચ્છના જળાશયો છલકાઈ રહ્યા છે. જળસંગ્રહ માટેના ઉત્તમ અવસરને જોઈ અદાણી ફાઉન્ડેશને પહેલેથી જ વ્યાપક કામગીરી આરંભી છે. મુંદ્રા, માંડવી, અબડાસા, લખપત, રાપર, અંજાર અને ભુજ તાલુકાનાં 7૦ થી વધુ ગામોમાં જળ સંરક્ષણની કામગીરી કરવામાં આવી છે. જેમાં બોરવેલ રિચાર્જ, ભૂગર્ભ ટાંકામાં જળસંગ્રહ અને નવા કૂવા બનાવવાના કામો શામેલ છે.કચ્છમાં સારો વરસાદ થતાં તળાવો અને જળાશયોની સાથે લોકોનો આનંદ પણ ઉછાળા મારી રહ્યો છે. માંડવી તાલુકાના બીદડા તેમજ મુંદ્રા તાલુકાનાં મોટી ખાખર ગામે જળસંરક્ષણ ક્ષેત્રે અદાણી ફાઉન્ડેશનની ઉમદા કામગીરીને વધાવવા અદાણી પરિવારને નવાજવામાં આવ્યું હતું. જેમાં APSEZ ના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિતભાઇ શાહ, CEO સુજલ શાહ તથા અદાણી ફાઉન્ડેશનના CSR હેડ પંક્તિબેન શાહ સહિત સમગ્ર ટીમને સરપંચો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતીમાં તળાવોમાં નવા નીરને વધાવવામાં આવ્યા હતા.અદાણી પરિવારનો આભાર માનતા બીદડાના સરપંચ પ્રવીણભાઈ પટેલે જવાબદાર ઉધોગગૃહની પ્રસંશનીય કામગીરીને બિરદાવી હતી. જ્યારે અકરીના સરપંચ રાજુભા જાડેજાએ તળાવ સુધારણાથી પશુઓ અને ઘર વપરાશમાં માટે પાણીની સમસ્યા હલ થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અદાણી ફાઉન્ડેશન દ્વારા નવા ચેકડેમ અને જૂના ચેકડેમ સુધારણાના 28 કામો, 9૩ તળાવો ઊંડા કરવાના કામો, છત પરના પાણી સંગ્રહ માટે 385 ભૂગર્ભ ટાંકા દ્વારા 3,85,૦૦૦૦ લિટર પીવાના પાણીનો સંગ્રહ કરવાનું કામો કરવામાં આવ્યા છે. પડતર કૂવા અને બોરવેલ રિચાર્જની વાત કરીએ તો, મુંદ્રા વિસ્તારમાં 209 બોરવેલ રિચાર્જ, 25 નવા બોરવેલ -ઈંજેકશન વેલ બનવીને કરોડો લિટર પાણી ભૂગર્ભમાં ઉતારવાની સ્તુત્ય કામગીરી કરવામાં આવી છે. અબડાસા તાલુકામાં આ વર્ષે પાંચ ગામોમાં તળાવો ઊંડા ઉતારવા, પાળ સફાઈ, ઓગન રીપેરીંગ તથા આવ સુધારણાની કામગીરી વરસાદ પહેલા જ પૂર્ણ કરવામાં આવી છે. હોથીયાય ગામમાં અદાણી સિમેન્ટ સાંઘીપુરમના પ્લાન્ટ હેડ વિવેક મિશ્રા, સિક્યુરિટી હેડ કર્ણાવત સહિત સરપંચ હાજી ઈસ્માઈલભાઈ સહિત અગ્રણીઓના હસ્તે જળાશયોમાં નવા નીરને વધાવવામાં આવ્યા હતા. તળાવો ઉંડા કરવાની કામગીરીથી 15૦ એકર જમીનને પિયતનો લાભ મળશે. જ્યારે રોકડિયા પાકો લેતા ખેડૂતોની 3૦૦ એકર જેટલી જમીન અને ૩૦૦૦ થી વધુ પશુઓને પીવા માટે પાણી મળશે.અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર વી.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે “જળસંગ્રહ થકી ઘણી સમસ્યાઓ હળવી થઈ શકે છે. લોકો પોતે જ્યારે આવા કામમાં જોડાય ત્યારે તેનું પરિણામ ખૂબ સારું આવે છે. આગામી દિવસોમાં તે આ વિસ્તાર માટે સારી નિશાની છે. દરેક ગામોના અગ્રણીઓને ખૂબ ખૂબ અભિનંદન.” જળસંરક્ષણની ઉત્કૃષ્ટ કામગીરીને પગલે ભૂગર્ભજળની સ્થિતીમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતો પણ આ આ ઉમદા કામગીરીમાં સ્વયંભુ જોડાઈ કૂવા અને બોરવેલ રિચાર્જ કરી રહ્યા છે. ખાવડા જેવા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે બે ગામમાં નવા કૂવાઓ બનાવવામાં આવ્યા છે. “જલ હૈ તો કલ હૈ “ અંતર્ગત વરસાદી જળને દરિયામાં વહી જતું અટકાવી અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકભાગીદારીથી સ્તુત્ય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.





