વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં ઘટતી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવશે* – શ્રી વિજયભાઈ પટેલ
ગુજરાત સરકારના કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના “પા પા પગલી” પ્રોજેક્ટ અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ આહવા ડાંગ દ્વારા વિધાનસભા નાયબ દંડક વ ધારાસભ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વઘઇ ખાતે જિલ્લા કક્ષાના “ભૂલકાં મેળા” નું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકોના વિકાસ અને વૃદ્ધિ, કૌશલ્યો, ક્ષમતાઓ અને વર્તણૂંક માટે બાળપણ મહત્વનો પાયો છે. નાના બાળકોને જેવા અનુભવ મળે તેની સીધી અસર તેના વ્યક્તિત્વ પર જોવા મળે છે. માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના શારીરિક, બૌદ્ધિક, સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય અને સર્જનાત્મક કૌશલ્યનો વિકાસ કરવા માટે ખુબ સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં પણ બાળકોના સુષુપ્ત શક્તિઓને ખિલવવા માટે તથા વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃત કરવા ભૂલકા મેળાનું આયોજન કરાયું છે, તેમ વિધાનસભા નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આ પ્રંસગે જણાવ્યું હતું.
આંગણવાડી કાર્યકર બહેનો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાના ગુણોનું સિંચન કરી રહ્યા છે. વાલીઓ કરતાં પણ વધારે બાળકોની જવાબદારી નિભાવી છે. ત્યારે બાળકના મુખ્ય પાયાની આંગણવાડીઓમાં પ્રાથમિક જરૂરિયાત તાત્કાલિક ધોરણે પુર્ણ કરવામાં આવશે તેમ શ્રી પટેલ આ પ્રંસગે જણાવ્યું હતું.
આહવા, વઘઈ અને સુબીર એમ ત્રણેય ઘટકો દ્વારા કુલ ૫૧ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે જે તમામ કૃતિઓમાં આંગણવાડી બહેનો દ્વારા ઉત્કૃષ્ટ કલાના દર્શન કરાવ્યા છે તેમ શ્રી વિજયભાઈ પટેલ વધુમાં જણાવ્યું હતું.
બાળકના સર્વાંગી વિકાસ માટે સગર્ભાવસ્થાથી શરૂ કરી બાળપણના મહત્વના શરૂઆતના છ વર્ષ દરમિયાન બાળકોને પૂરક પોષણ આહાર, આરોગ્ય, પોષણ, શિક્ષણ તથા ૩ થી ૬ વર્ષના બાળકોને પૂર્વપ્રાથમિક શિક્ષણ કેટલું જરૂરી છે તે અંગે સમજ વાલીઓમાં સમજ કેળવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને જણાવ્યું હતું.
સરકાર બાળકો માટે સારી યોજનાઓ ઘડી રહી છે ત્યારે બાળકના ભવિષ્ય અને સર્વાંગી વિકાસને ધ્યાને લઈ બાળકોને આંગણવાડીમાં મોકલવા માટે શ્રીમતી નિર્મળાબેન ગાઈને વાલીઓને અનુરોધ કર્યો હતો.
આ ભૂલકાં મેળામાં જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી TLM સામગ્રી તથા આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા બાળશક્તિ તેમજ અન્ય પોષક સામગ્રીમાંથી બનાવેલી વાનગીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જેનું મહેમાનશ્રીઓ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.
આંગણવાડીના નાના ભૂલકાંઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓ તથા પ્રિ-સ્કૂલ ઈન્સ્ટ્રક્ટર દ્વારા કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ સાથે જ માતાઓને વ્હાલી દીકરીના હુકમ આપવામાં આવ્યાં હતાં. તેમજ બઢતી મેળવનાર આંગણવાડી સેવિકા બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. સાથે મમતા કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ભૂલકાં મેળામાં સ્ટોલ અને કૃતિ પ્રસ્તૃતિકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, આંગણવાડી કાર્યકરો અને પ્રિ-સ્કૂલ ઈન્સ્ટ્રક્ટર્સને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી તેમજ ટિફિન બોક્ષ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સારૂબેન વળવી, આરોગ્ય સિમિતિ અધ્યક્ષા શ્રીમતી મયનાબેન બાગુલ, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવીનાબેન ગાવિત, સામાજિક કાર્યકર મધુભાઈ ગાયકવાડ,બચુભાઈ બાગુલ, સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલભાઈ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુભાઈ ગામિત, ICDS પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સનાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતિ મનીષાબેન મુલતાની, સહિતના અધિકારીઓ, આંગણવાડી બહેનો અને મોટી સંખ્યામાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.