
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તપોવન સંસ્કારધામ–વર્ધમાન સંસ્કારધામ, ડાંગમિત્ર અને માં શબરી મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે ૩૮૦ પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ
ડાંગ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર અને વરસાદી આફતનો સામનો કરી રહેલા જરૂરિયાતમંદ પરિવારોની મદદે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. પરમ પૂજ્ય પાન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી કાર્યરત તપોવન સંસ્કારધામ અને વર્ધમાન સંસ્કારધામ, નવસારી દ્વારા ડાંગમિત્ર અને માં શબરી મિત્ર મંડળના સહયોગથી ડાંગ જિલ્લાના પૂરગ્રસ્ત તથા જરૂરિયાતમંદ પરિવારો માટે વિશાળ રાહત સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સેવા અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને ૩૮૦ રાહત અનાજની કિટ, ૩૮૦ તાડપત્રી, મહિલાઓ તથા પુરુષો માટે કપડાંના સેટ તેમજ ૧૨૦૦ ચિક્કી પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પૂરગ્રસ્ત પરિવારો સુધી રાહત સામગ્રી યોગ્ય રીતે અને સીધી પહોંચે તે માટે માં શબરી મિત્ર મંડળના કાર્યકર્તાઓ દ્વારા ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં જઈને સર્વે તથા વિતરણની કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને અત્યંત જરૂરિયાતમંદ પરિવારોને પ્રાથમિકતા આપી જીવનજરૂરિયાતની સામગ્રી પહોંચાડવામાં આવી હતી.
સેવા સાથે સંવેદનાનો સંદેશ
વરસાદ અને પૂર જેવી કુદરતી આફતના મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદ પરિવારોને માત્ર રાહત સામગ્રી જ નહીં, પરંતુ “આપણે તમારી સાથે છીએ” એવો માનવતાનો સંદેશ પણ આ સેવા અભિયાન દ્વારા આપવામાં આવ્યો હતો.
સંસ્થાઓ અને સેવાભાવી કાર્યકર્તાઓના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરાયેલા આ રાહત સેવા કાર્યને કારણે અનેક પૂરગ્રસ્ત પરિવારોને મુશ્કેલીના સમયમાં જરૂરી જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી રહી છે. સમાજના વિવિધ વર્ગો દ્વારા હાથ ધરાતા આવા સેવાકાર્યો આપત્તિના સમયમાં માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.





