AHAVADANG

ડાંગથી સૌરાષ્ટ્ર જતા મજૂર મુસાફરોની વ્યથા:-“મત આપવા આવીશું, પણ મુસાફરી સહેલી બનાવો”

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

તારાપુર ચોકડીથી આહવા સુધી સીધી સ્લીપર કોચ બસની માંગ ઉગ્ર બની-ચૂંટણી પહેલા ઉકેલ લાવવા સરકારને અપીલ..

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી રોજગાર માટે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સ્થાયી થયેલા યુવાનો અને પરિવારો આજે પણ પોતાના મૂળ વતન સાથે ગાઢ રીતે જોડાયેલા છે.સામાજિક પ્રસંગો, કુટુંબની જવાબદારીઓ તેમજ લોકશાહીના પર્વ સમાન મતદાનમાં ભાગ લેવા તેઓ વારંવાર વતન પરત ફરે છે.પરંતુ તેમની આ સફર હાલમાં અત્યંત મુશ્કેલ અને કંટાળાજનક બની ગઈ છે. હાલની વ્યવસ્થામાં મુસાફરોને પહેલા અમદાવાદ સુધી પહોંચી, ત્યાંથી બીજી બસ પકડવાની ફરજ પડે છે. આ કારણે સમય, ખર્ચ અને શ્રમ ત્રણેયમાં વધારો થાય છે. વધુમાં, સીધી બસોમાં સીટ ન મળતા મુસાફરોને ઉભા રહીને કે નીચે બેસીને મુસાફરી કરવાની મજબૂરી સર્જાય છે.મુસાફરો સ્પષ્ટ કહે છે કે, “મતદાન કરવું અમારી ફરજ છે અને અમે જરૂર આવશું, પરંતુ અમારી મુસાફરી સરળ બનાવવી સરકારની જવાબદારી છે.”આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરો દ્વારા એક મહત્વપૂર્ણ માંગ ઉઠાવવામાં આવી છે.તારાપુર ચોકડીથી આહવા સુધી સીધી સ્લીપર કોચ બસ સેવા શરૂ કરવામાં આવે.આ રૂટ સુરત શહેરમાં પ્રવેશ કર્યા વિના સીધી કનેક્ટિવિટી પૂરી પાડે તેવો હોવો જોઈએ. જો આ સેવા શરૂ થાય તો ડાંગ, નવસારી અને આસપાસના વિસ્તારોના હજારો મુસાફરોને મોટી રાહત મળી શકે છે.ચૂંટણીના માહોલમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વસતા મતદારોની માહિતી એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. મુસાફરોનું માનવું છે કે આ માહિતીના આધારે યોગ્ય બસ સમયપત્રક બનાવવામાં આવે તો પરિવહન વ્યવસ્થા વધુ અસરકારક બની શકે છે.આ મુદ્દે મુસાફરોની રજૂઆત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને વાહનવ્યવહાર વિભાગના વડા હર્ષ સંઘવી સુધી પહોંચાડવા સોશિયલ મીડિયા પર પણ જોરદાર અભિયાન ચાલી રહ્યું છે. લોકો ચૂંટણી પહેલાં જ આ સમસ્યાનો ઝડપી ઉકેલ આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે.ડબલ એન્જિન સરકારના સમયમાં વિકાસની ગતિ તેજ હોવાના દાવાઓ વચ્ચે, ડાંગ અને નવસારી જિલ્લાના મુસાફરોની એક જ અપેક્ષા છે- લોકસેવામાં જોડાયેલા નેતાઓ તેમની વ્યથા સમજે અને વહેલી તકે વ્યવહારુ તથા સ્થાયી ઉકેલ લાવે તેવી માંગ કરી છે..

Back to top button
error: Content is protected !!