વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
કાકશાળ થી શેન્ગળમાળ ગામ વચ્ચે લેન્ડ સ્લાઇડના કારણે અવરોધાયેલ રસ્તો ખુલ્લો કરવા કામગીરી હાથ ધરાઇ
ડાંગ જિલ્લામાં આજરોજ સવારથી વરસાદનું જોર ધીમું પડ્યું છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ તરફથી મળેલ વિગતો અનુસાર તારીખ ૩ સપ્ટેમ્બરના રોજ છેલ્લા ૧૦ કલાક દરમિયાન સરેરાશ માત્ર ૯.૬૬ મી.મી. વરસાદ નોંધાયો છે.
દરમિયાન આજે સાંજના ૪ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના ૩ જેટલા ગ્રામ્ય માર્ગો જ, વરસાદી પાણીને લઈ અવરોધાયેલા રહ્યા છે. જેમાં વઘઇ તાલુકાના (૧) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, (૨) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, તેમજ સુબીર તાલુકાના (૧) શેન્ગળમાળ વીલેજ એપ્રોચ રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.
જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
દરમિયાન કાકશાળથી શેન્ગળમાળ ગામ વચ્ચે લેન્ડ સ્લાઇડના કારણે રોડ ઉપર મોટા પથ્થરો ધસી આવ્યાં હતા. જે ધટના તંત્રના ધ્યાને આવતા, તાત્કાલિક ધોરણે ૨ જેસીબી મશીન દ્વારા પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દરમિયાન ગતરોજ ભારે વરસાદનાં કારણે વઘઈ તાલુકાના ભેંસકાતરી ગામના પશુપાલક શ્રી જયેશભાઈ રાજુભાઈ ગામીતની એક શંકર વાછરડી, પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામી હતી. આ કેસમાં જિલ્લા પંચાયતનાં પશુપાલન વિભાગે મૃત પશુની બોડી કબ્જામા લઈ, આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સાથે જ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે ગત રોજ એન.ડી.આર.એફ. તેમજ એસ.ડી.આર.એફ.ની ટીમ સાથે મુલાકાત કરી, જિલ્લાની સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો.
દરમિયાન ડાંગ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીશ્રીએ ગત રોજ ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત એવા ઝાવડાં અને વાંઝટઆંબા ગામની મુલાકાત લઇ, ખેતીના પાક નુકશાની અંગે વિગતો મેળવી, સર્વે ટીમને વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.
સમગ્ર ઘટનાક્રમ ઉપર જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ સતત નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનું કાર્ય મથક નહિ છોડવાની પણ તાકીદ કરવા સાથે, જનજીવનને થયેલી વિપરીત અસરોનો તાગ મેળવવાની કામગીરી સહિત માર્ગ સુધારણા, નુકસાનીના સર્વે ઉપરાંત વીજ અને આરોગ્ય સેવાઓ, વાહન વ્યવહાર, રાહત ચુકવણી જેવા મુદ્દે સઘન કાર્યવાહીના દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel