AHAVADANG

આહવા ગાંધી કોલોનીમાં મોતનું મંડરાતું જોખમ: 50 વર્ષ જૂની જર્જરિત બિનજરૂરી પાણીની ટાંકીથી સ્થાનિકોમાં દહેશત

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ગાંધી કોલોની નજીક આવેલી વર્ષો જૂની અને હાલ બિનજરૂરી બની ગયેલી પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં ઉભી હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.આશરે 50 વર્ષ જૂની આ પાણીની ટાંકી હવે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં પહોંચી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે.ટાંકીના પગથિયા તૂટી ગયેલા છે, સિમેન્ટના પોપડા ઊખડી રહ્યા છે તેમજ લોખંડના સળિયા પણ સડી ગયેલી હાલતમાં નજરે પડે છે.આવી જોખમી પરિસ્થિતિને કારણે ગાંધી કોલોની વિસ્તારમાં રહેતા લોકો તેમજ રસ્તે આવતા-જતા રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ સતત તોળાઈ રહ્યું છે.ગાંધી કોલોની વિસ્તારમાં વર્ષોથી અનેક સરકારી આવાસો પણ ખંડેર હાલતમાં છે,જેના કારણે સમગ્ર વિસ્તાર બેદરકારીનું દ્રશ્ય રજૂ કરે છે.તાજેતરમાં તડકેશ્વર ખાતે નવીન બાંધકામથી બનેલી પાણીની ટાંકી તૂટી પડતાં ભારે ખળભળાટ મચ્યો હતો. ત્યારે આ દાયકાઓ જૂની જર્જરિત ટાંકીની હાલત વધુ ચિંતાજનક બની છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ટાંકીનું આયુષ્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે માત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોતી હોય તેમ ઉભી છે.સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા વર્ષોથી તેની આસપાસ જાળીનું કમ્પાઉન્ડ કરવામાં આવ્યું છે, છતાં મૂળ જોખમ યથાવત છે.આ માર્ગ પરથી અનેક અધિકારીઓની અવરજવર હોવા છતાં આ ગંભીર સમસ્યા હજુ સુધી તંત્રના ધ્યાન પર અસરકારક રીતે આવી નથી, જે આશ્ચર્યજનક બાબત છે. જો ભવિષ્યમાં કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે જરૂરી મંજૂરી મેળવી આ બિનઉપયોગી અને જોખમી પાણીની ટાંકીને સલામતીપૂર્વક તોડી જમીનદોસ્ત કરવાની માંગ કરી છે,જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય અને સ્થાનિકોને રાહત મળી શકે તેમ છે..

Back to top button
error: Content is protected !!