AHAVADANG

ડાંગનાં માલેગામના સંતોકબા શાળા સામે ગેરકાયદેસર બાંધકામનો વિવાદ: તંત્રની મૌન મંજૂરી કે ભ્રષ્ટાચારનું છત્રછાયુ?

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારાનાં તળેટી વિસ્તાર એવા માલેગામ ખાતે સંતોકબા શાળાની સામે એક ટેન્ટ સંચાલકે રોડ માર્જિનમાં બાંધકામ કરતા નિયમોનાં ધજાગરા ! તંત્રનાં આંખ આડા કાન કે ભ્રષ્ટાચારનું છત્રછાયુ ?

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ચોમાસાની સીઝન શરૂ થતા જ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે.બીજી તરફ પ્રવાસનનાં નામે માલેગામ ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલ તથા ગામનાં આંતરીક માર્ગની સાઈડમાં આવેલ આદિવાસી ખેડૂતોની ખેતીની જમીનો પર ગેરકાયદેસર ટેન્ટ હાઉસ અને પાક્કા બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાનું સામે આવતા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.આક્ષેપો મુજબ કેટલાક ભૂમાફિયાઓ ગરીબ આદિવાસી ખેડૂતોને નજીવા વળતરની લાલચ આપી તેમની ખેતીની જમીનનો ઉપયોગ કરી રહ્યા છે.સ્થાનિક ગ્રામ પંચાયતની તથા સરકારી મંજૂરી કે જરૂરી પરવાનગીઓ લીધા વગર પહેલા પાક્કા બાંધકામો ઊભા કરવામાં આવે છે અને ત્યારબાદ તંત્ર સાથેની સાંઠગાંઠના આક્ષેપો વચ્ચે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર બનાવવાના પ્રયાસો થતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે કેટલાક કિસ્સાઓમાં ગેરકાયદેસર બાંધકામ થયા બાદ ગરીબ ખેડૂતના નામે દંડ અથવા નોટીસ ફટકારી સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો આ આક્ષેપોમાં સત્યતા હોય તો સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે મૂળ લાભાર્થીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી ?જેમાં માલેગામ ખાતે સંતોકબા શાળાની નજીક દક્ષ હોટલની સામે ખેતીની જમીનમાં રોડ માર્જિન છોડ્યા વગર જ પાક્કા બાંધકામો કરી વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ કરી દેવાઈ હોવાના આક્ષેપો પણ ચર્ચાનો વિષય બન્યા છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને મુખ્ય માર્ગોને અડીને બાંધકામ માટે સ્પષ્ટ નિયમો અને જોગવાઈ હોવા છતા જો નિયમોની ખુલ્લેઆમ અવગણના થઈ રહી હોય તો સંબંધિત વિભાગો શું કરી રહ્યા છે?તેવામાં જિલ્લાના મહેસૂલ વિભાગની ભૂમિકા પણ હવે સવાલોના ઘેરામાં આવી છે.આ ટેન્ટ રિસોર્ટ સંચાલકે નજીકનાં વન કચેરીની પણ એન.ઓસી ન લીધી હોવાનું જાણવા મળેલ છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે તંત્રને તમામ હકીકતોની જાણ હોવા છતાં સમયસર કાર્યવાહી કરવામાં આવી નથી. જો આક્ષેપો ખોટા હોય તો તંત્રએ પારદર્શક તપાસ કરી હકીકતો જાહેર કરવી જોઈએ.અને જો આક્ષેપો સાચા હોય તો જવાબદાર અધિકારીઓ તથા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.હાલ સમગ્ર મામલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આદિવાસી ખેડૂતોની ખેતીની જમીનમાં સરકારી મંજૂરી વગર પાક્કા બાંધકામો કેવી રીતે ઉભા થઈ રહ્યા છે? રોડ માર્જિનના નિયમો કોના આશીર્વાદથી તોડવામાં આવી રહ્યા છે? અને શું સ્થાનિક તંત્ર અને ભૂમાફિયાઓ વચ્ચે કોઈ મિલીભગત છે?માલેગામ  જેવા સંવેદનશીલ અને પર્યાવરણપ્રધાન પ્રવાસન સ્થળે જો રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં નિયમોને નેવે મૂકી બાંધકામો થઈ રહ્યા હોય તો રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપી દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે.નહીં તો આદિવાસી જમીનો પર ગેરકાયદેસર કબજાઓ અને બાંધકામોનો આ સિલસિલો આવનારા સમયમાં વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે..

Back to top button
error: Content is protected !!