
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છમાં ડોક્ટરોની અછત વચ્ચે વધુ ૫ તબીબોની સામૂહિક બદલી: આરોગ્ય ક્ષેત્રે સરહદી જિલ્લાને ફરી અન્યાય?
૦૦૦
સ્ટાફની વ્યાપક ફરિયાદો બાદ લખપતના ટીએચઓ ડો. કુલભૂષણ પટેલને રાપર ખસેડાયા?
ભુજ, તા. 18:
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલી વર્ગ-૨ ના મેડિકલ ઓફિસરની વ્યાપક બદલીઓમાં સરહદી અને અંતરિયાળ કચ્છ જિલ્લાના આરોગ્ય માળખાને મોટો ફટકો પડ્યો છે. જિલ્લામાં પહેલેથી જ તબીબોની ઘટ અને ખાલી જગ્યાઓની બૂમરાણ છે તેવા સમયે એકસાથે ૫ લાયકાત ધરાવતા ડોક્ટરોને વહીવટી કારણોસર કચ્છ બહાર અન્ય જિલ્લાઓમાં મૂકી દેવાતા સ્થાનિક સ્તરે ‘કચ્છને ફરી અન્યાય’ થયો હોવાની લોકલાગણી અને આક્રોશ વ્યાપ્યો છે.
સરકારના સત્તાવાર ઓર્ડર મુજબ કચ્છ જિલ્લાને સાંકળતી કુલ ૮ તબીબોની બદલીઓ થઈ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ ૮ માંથી ૭ બદલીઓ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે ‘જાહેર હિતાર્થે’ કરવામાં આવી છે જ્યારે માત્ર ૧ બદલી ‘સ્વ-વિનંતી’ થી થઈ છે.
બદલી પામેલા તબીબોની સંપૂર્ણ યાદી અને વિગત:
* કચ્છ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં બદલી પામેલા ૫ તબીબો (જાહેર હિતાર્થે અને સ્વ-વિનંતી):
1. ડો. જીતેશ પી. ખોરાસિયા: CHC ખાવડા (તા. ભુજ, કચ્છ) થી બદલી કરીને CHC મોટીમારડ (જી. રાજકોટ) ખાતે મુકાયા.
2. ડો. મૌલિક દિનેશભાઈ પટેલ: PHC ચાંદરાણી (તા. અંજાર, કચ્છ) થી બદલી કરીને PHC લજાઈ (જી. મોરબી) ખાતે મુકાયા.
3. ડો. ઉદિત પિયુષ કેલા: સરકારી હોસ્પિટલ અંજાર (કચ્છ) થી બદલી કરીને સરકારી હોસ્પિટલ સિંગરવા (જી. અમદાવાદ) ખાતે મુકાયા.
4. ડો. ગજેન્દ્ર શેરદાન ગઢવી: CHC નલિયા (કચ્છ) થી બદલી કરીને CHC પોશીના (જી. સાબરકાંઠા) ખાતે મુકાયા.
5. ડો. માનસીબેન રાધાભાઈ મકવાણા (સ્વ-વિનંતી): CHC મુંદરા (કચ્છ) થી પોતાની વિનંતીના આધારે સર ટી. હોસ્પિટલ ભાવનગર ખાતે બદલી પામ્યા છે.
* અન્ય જિલ્લામાંથી કચ્છમાં આવેલા ૧ તબીબ:
6. ડો. શક્તિ જે. આંબલિયા: જૂની સિવિલ હોસ્પિટલ સુરતથી બદલી કરીને અંતરિયાળ વિસ્તારના CHC દયાપર (તા. લખપત, કચ્છ) ખાતે મુકાયા.
* કચ્છ જિલ્લાની અંદર જ આંતરિક બદલી પામેલા ૨ તબીબો:
7. ડો. વિરેન્દ્રસિંહ આર. જાડેજા: PHC દેશલપર ગુંતલી (તા. નખત્રાણા, કચ્છ) થી બદલી કરીને CHC નખત્રાણા ખાતે મુકાયા.
8. ડો. કુલભૂષણ પટેલ: તાલુકા આરોગ્ય કચેરી લખપત (કચ્છ) થી બદલી કરીને સરકારી હોસ્પિટલ રાપર (કચ્છ) ખાતે મુકાયા.
ભૌગોલિક દ્રષ્ટિએ રાજ્યના સૌથી મોટા અને અંતરિયાળ વિસ્તાર ધરાવતા જિલ્લામાં જ્યારે આરોગ્ય સેવાઓમાં સ્ટાફ વધારવાની તાતી જરૂરિયાત છે ત્યારે સરકારે જ વહીવટી કારણોસર ૫ તબીબોની ઘટ વધારી દેતા સરહદી વિસ્તારની જનતા રામભરોસે મુકાઈ ગઈ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
લખપતના આરોગ્ય સ્ટાફને ત્રાસમાંથી મુક્તિ? : THO ની રાપર જાહેર હિતાર્થે બદલી
આ સામૂહિક બદલીના દોરમાં લખપત તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલો વહીવટી વિવાદ આખરે શાંત પડ્યો છે. લખપત તાલુકા આરોગ્ય કચેરી ખાતે ફરજ બજાવતા તાલુકા આરોગ્ય અધિકારી (THO) ડો. કુલભૂષણ પટેલ સામે ખુદ સ્થાનિક આરોગ્ય સ્ટાફ અને કર્મચારીઓએ માનસિક ત્રાસ આપવાની તેમજ પજવણી કરવાની વ્યાપક ફરિયાદો ઉચ્ચ સ્તરે થઈ હોઈ આ બાબતને ગંભીરતાથી લઈને સરકારે જાહેર હિતાર્થે ડો. કુલભૂષણ પટેલને લખપતથી હટાવીને વાગડ વિસ્તારની રાપર સરકારી હોસ્પિટલ ખાતે બદલી કરી દીધી છે. આ બદલીથી લખપતના સ્થાનિક આરોગ્ય કર્મચારીઓએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. જોકે વિવાદિત અધિકારીને એક છેડેથી બીજા છેડે સજાના ભાગરૂપે મુકી કચ્છ જિલ્લાની અંદર જ યથાવત રાખીને “કચ્છની સજા” યથાવત રાખવાની ચર્ચા કર્મચારી આલમમાં જોર પકડી રહી છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




