
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે એક નવો અને ગંભીર સંકટ મંડરાઈ રહ્યો છે, જેણે સમગ્ર જિલ્લાવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ડાંગના વિવિધ વિસ્તારોમાં એકસાથે અસંખ્ય કાગડાઓના રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા સમગ્ર પંથકમાં બર્ડ ફ્લૂના દહેશતનો માહોલ છવાઈ ગયો છે. આ પક્ષીઓ અચાનક બીમાર પડીને મૃત્યુ પામી રહ્યા હોવાથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને આ ઘટના બર્ડ ફ્લૂ જેવી જીવલેણ અને ચેપી બીમારી તરફ ઈશારો કરી રહી હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.ડાંગ જિલ્લામાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂ (મરઘાનો રોગ) જોવા મળતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નાયબ વન સંરક્ષક, દક્ષિણ ડાંગ વન વિભાગ, આહવા દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. આ રોગ મનુષ્યોમાં પણ ફેલાઈ શકવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી છે.આ રોગચાળાને અટકાવવા માટે તમામ રેન્જ ફોરેસ્ટ ઓફિસરોને તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના કાર્યક્ષેત્ર હેઠળની ફોરેસ્ટ ચેકપોસ્ટો પર સઘન તપાસ કરે. આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય મહારાષ્ટ્ર રાજ્યમાંથી ડાંગ જિલ્લામાં મરઘાં-બતકાં કે અન્ય પક્ષીઓના પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો અને તેને અટકાવવાનો છે. વન વિભાગ દ્વારા આ સંદર્ભમાં કરેલી કામગીરીનો અહેવાલ તાત્કાલિક અસરથી રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે, જેથી રોગચાળાને સમયસર નિયંત્રિત કરી શકાય.વિશેષજ્ઞોના મતે એવિયન ઇન્ફ્લુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂ એ અત્યંત જોખમી વાયરસજન્ય રોગ છે, જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પરંતુ જો યોગ્ય સમયે પગલાં લેવામાં ન આવે તો તે અન્ય પાલતુ મરઘાં અને પશુ-પક્ષીઓમાં પણ ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે.વધતી જતી આ સમસ્યાને ધ્યાનમાં લેતા હવે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.





