AHAVADANG

સાપુતારામાં ધોધમાર વરસાદ અને ગાઢ ધુમ્મસમાં પણ બોટિંગ યથાવત! નફાખોરી માટે પ્રવાસીઓના જીવ સાથે ખેલ?

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારામાં રવિવારે સાંજે ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને અત્યંત ઓછી દૃશ્યતા વચ્ચે પણ સર્પગંગા તળાવમાં બોટિંગ ચાલુ રાખવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પ્રતિકૂળ હવામાન હોવા છતાં બોટિંગ સંચાલકોએ કમાણીને પ્રાથમિકતા આપી પ્રવાસીઓના જીવને જોખમમાં મૂક્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ચોંકાવનારી બાબત એ છે કે ગત રોજ જ એક પ્રવાસી બોટમાંથી તળાવમાં કૂદી પડ્યાની ઘટના બની હતી. તે પછી પણ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ અસરકારક સુધારો જોવા મળ્યો નથી. ઘટનામાંથી બોધપાઠ લેવાને બદલે ફરી જોખમી હવામાનમાં બોટિંગ ચાલુ રહેતાં બેદરકારીના ગંભીર સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોનો આરોપ છે કે ભારે વરસાદ, ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતા દરમિયાન નિયમો મુજબ બોટિંગ તાત્કાલિક બંધ કરવું જોઈએ, પરંતુ સંચાલકોએ આ નિયમોને અવગણી પ્રવાસીઓના જીવ સાથે ચેડાં કર્યા છે. જો આવી સ્થિતિમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય, તો તેની જવાબદારી કોણ લેશે?

સ્થાનિકો અને પ્રવાસીઓ હવે માંગ કરી રહ્યા છે કે સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, બોટિંગ દરમિયાન સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની ચકાસણી થાય અને જો નિયમોનો ભંગ થયો હોય તો જવાબદાર બોટિંગ સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!